ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત બાદ છેલ્લા એક મહિનાથી સ્ટ્રીટ લાઇટનો પોલ નમી પડતા અનેક વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે.
ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ વિવાદોમાંથી બહાર આવી શક્યો નથી. આ બ્રિજ પર છાસવારે અકસ્માતની ઘટનાઓ સર્જાતી રહે છે. એસટી બસને પ્રવેશની મંજૂરી 40 કિમીની ગુરત્તમ ગતિથી મળી છે, છતાં 60થી વધુની સ્પીડમાં બસ દોડતી હોવાના વિડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. તેવામાં ગત તા. 14 ફેબ્રુઆરી 2024ના રોજ નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી કારને પાછળથી માતેલા સાંઢની જેમ ધસી આવેલ એસટી. બસે ટક્કર મારી હતી. જેના કારણે કાર ડિવાઇડર પર ચઢી સ્ટ્રીટ લાઇટના પોલ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં સ્ટ્રીટ લાઇટનો પોલ નમી ગયો છે, જેને આજે એક મહિનો વીતી ગયો છે. તેમ છતાં આ સ્ટ્રીટ લાઇટનો પોલ માત્ર 4 નટ-બોલ્ટ સાથે એ ની એ જ સ્થિતિમાં ઊભો છે. જોકે, દિવસો જતાં આ વીજ પોલનો બેઝ પણ ઊખડી રહ્યો હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે, ત્યારે અકસ્માતનું કેન્દ્ર બિંદુ બનેલા નર્મદા મૈયા બ્રિજ પર આ વીજ પોલના કારણે વધુ એક અકસ્માતની તંત્ર જાણે રાહ જોતું હોય તેવું ફલિત થઈ રહ્યું છે. જોકે, હવે તંત્ર દ્વારા વહેલી તકે સ્ટ્રીટ લાઇટના બિસ્માર પોલને ઉતારી લેવામાં આવે તો નવી ઘટનાને અટકાવી શકાય તેવું વાહનચાલકોનું માનવું છે.