Connect Gujarat
ભરૂચ

ભરૂચમાં મેઘરાજાની ધમાકે’દાર બેટિંગ, ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને હાલાકી..!

ભરૂચ શહેર તથા જિલ્લામાં વરસ્યો મુશળધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાય.

X

ભરૂચ શહેર તથા જિલ્લામાં મુશળધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચના સેવાશ્રમ રોડ, કસક સર્કલ, દાંડિયા બજાર અને ફુરજા સહીતના વિસ્તારોના માર્ગ નદીમાં ફેરવાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

હવામાન વિભાગની આગાહીના પગલે ભરૂચ શહેર તથા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો, ત્યારે વરસાદી પાણી ભરાવાના પગલે ઠેર ઠેર જળ બંબાકારની પરીસ્થિતીનું નિર્માણ થયું છે. ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી જોવા મળતી આવી છે, ત્યારે આ સમસ્યાના નિવારણ માટે પાલિકા દ્વારા પેવર બ્લોક સાથેના માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જોકે, હજી પણ વરસાદી પાણી ભરાતા "જેસે થે ની" પરિસ્થિતી સાથે આ રોડ સતત વિવાદમાં રહ્યો છે. પાંચબત્તી વિસ્તારથી શક્તિનાથ વિસ્તારને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાય જતાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતાં અનેક લોકો હેરાન-પરેશાન થઈ ઉઠ્યા હતા.

તો બીજી તરફ, વહેલી સવારથી ઝરમરિયા વરસાદ વચ્ચે મેહુલિયાની ધમાકેદાર એન્ટ્રી થતાં ભરૂચ શહેરના દાંડિયા બજાર અને ફુરજા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. જોકે, ભરૂચમાં જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે ચોમાસાની ઋતુ પૂર્વે પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

Next Story