Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ડચ વિરાસત તંત્રના પાપે "કબર"માં, હેરીટેઝ વોક પ્રોજેકટનું બાળમરણ

ભરૂચમાં આવેલાં ઐતિહાસિક સ્થળોની જાળવણી માટે શરૂ થયેલાં હેરીટેઝ વોક પ્રોજેકટનું બાળમરણ થઇ ગયું છે

X

ભરૂચમાં આવેલાં ઐતિહાસિક સ્થળોની જાળવણી માટે શરૂ થયેલાં હેરીટેઝ વોક પ્રોજેકટનું બાળમરણ થઇ ગયું છે. બંબાખાના વિસ્તારમાં આવેલાં ડચ કબ્રસ્તાનની સારસંભાળમાં તંત્ર સદંતર નિષ્ફળ રહયું છે....

પુણ્ય સલિલા મા નર્મદાના કિનારે આવેલું ભરૂચ શહેર ભવ્ય ભુતકાળ ધરાવે છે. ભારત દેશમાં કાશી પછી ભરૂચ સૌથી જુનુ શહેર છે. ભરૂચ એક જમાનામાં વેપારનું મુખ્ય કેન્દ્ર હતું અને દેશ અને વિદેશના જહાજો ફુરજા બંદર ખાતે લાંગરતા હતાં. ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો સહિત અનેક વિદેશી પ્રજાનું ભરૂચમાં આગમન થયું હતું. અમે તમને જે બતાવી રહયાં છે તે ભરૂચના બંબાખાના પાસે આવેલું ડચ કબ્રસ્તાન છે. ભેંકાર ભાસી રહેલું આ કબ્રસ્તાન એક ઐતિહાસિક વારસો છે પણ જાળવણીના અભાવે તેના આવા હાલ થયાં છે. વિરાસતની સારસંભાળમાં તંત્ર નિષ્ફળ રહેતાં કબ્રસ્તાન ખંડેર બની ગયું છે.

ભરૂચ બંદરેથી કપાસ, તેજાના સહિતની ચીજવસ્તુઓનો વેપાર થતો હતો. ખાસ કરીને અંગ્રેજ, પોર્ટુગીઝ અને ડચ ( વાલંદા) વેપારીઓ વેપાર કરવા માટે ભરૂચ આવતાં હતાં. બ્રિટીશરો અને વાલંદાઓએ વેપાર માટે ભરૂચમાં વખારોની સ્થાપના કરી હતી. ગુજરાતના રાજા સિધ્ધરાજ જયસિંહે ભરૂચ શહેરના રક્ષણ માટે નર્મદા નદીના કિનારે કિલ્લો બનાવ્યો હતો જે આજે પણ હયાત છે. આ કિલ્લાથી ત્રણ કિમી દુર ડચ ( વાલંદા)ઓએ કબ્રસ્તાન બનાવ્યું હતું અને તેની સ્થાપના 16મી સદીમાં કરવામાં આવી હતી. આ કબ્રસ્તાનમાં ચાર ડચ કબરો હજી પણ મોજુદ છે.

ભરૂચના તત્કાલીન કલેકટર રવિ અરોરાએ ભરૂચમાં હેરીટેઝ વોકની શરૂઆત કરાવી હતી. જેમાં ઐતિહાસિક સ્થળો અને ઇમારતોની સાફસફાઇ કરાવી હતી પણ કલેકટરની બદલી થતાંની સાથે આ પ્રોજેકટનું બાળ મરણ થઇ ગયું.. આ પ્રોજેકટ જ જાણે કબરમાં ચાલ્યો ગયો હોય તેમ લાગી રહયું છે. ડચ સિમેટ્રીએ ઐતિહાસિક વારસો છે. તે ડચ સ્થાપત્યની કલા અને વિશેષતાને રજુ કરે છે અને કબરોની રચના વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીના ગુંબજને મળતી આવે છે. ભરૂચમાં અનેક વિદેશી પ્રજા વેપાર માટે આવી હતી. 1772માં અંગ્રેજોના આગમન બાદ ડચ વેપારીઓ ભરૂચ છોડીને ચાલ્યાં ગયા હતાં પણ સ્થાપત્યનો વારસો મુકી ગયાં છે. હેમેન્દ્ર કોઠીવાલા જણાવે છે કે, ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગલા પડયાં તે પહેલાં આ કબ્રસ્તાનની દેખરેખ મુંબઇથી કરવામાં આવતી હતી પણ હવે તે પણ બંધ થઇ ગઇ છે.

Next Story