Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સબજેલ ખાતે સુલેમાન પટેલની મુલાકાત લીધી, જામીન અરજી અંગે કરી ચર્ચા

ભરૂચ જિલ્લાના જોલવા ગામ ખાતે રાયોટીંગ વીથ હત્યાની કોશિશનો ગુનો બન્યો હતો.

X

ભરૂચ જિલ્લાના જોલવા ગામ ખાતે રાયોટીંગ વીથ હત્યાની કોશિશનો ગુનો બન્યો હતો, ત્યારે આ ગુનામાં છેલ્લા 3 માસથી વોન્ટેડ કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલની ભરૂચ ક્રાઇમ બ્રાંચે વડોદરાની હોટલમાંથી ધરપકડ કરી હતી, ત્યારે ભરૂચ સબજેલમાં સજા ભોગવી રહેલા કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલની સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લઈ જામીન અરજી બાબતે ચર્ચા કરી હતી.

ગત ઓક્ટોબર-2023માં ભરૂચ જિલ્લાના જોલવા ગામ ખાતે નવરાત્રી દરમ્યાન વાગરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સુલેમાન પટેલ અને આણી મંડળી દ્વારા ગામના જ કેટલાક લોકો પર જીવલેણ હુમલો થતાં દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી. જે બાદ 4 આરોપી પૈકી 3 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જોકે, કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સુલેમાન પટેલ પોલીસ પકડથી દૂર રહ્યા હતા. સુલેમાન પટેલ અમરેલી, કુલુમનાલી અને મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ હોટલોમાં રોકાયા બાદ વડોદરાની હોટલમાં રહી પોલીસ ધડપકડથી બચવા પ્રયાસ કર્યા હતા. જેમાં સુલેમાન પટેલે આગોતરા જામીન માટે હાઇકોર્ટ સુધી દરવાજા ખટખટાવ્યા હતા. પરંતુ તેઓને સફળતા મળી નહોતી. આ વચ્ચે ભરૂચ LCB પોલીસે ગત તા. 24 જાન્યુઆરીના રોજ પોલીસને ચકમો આપી નાસતા ફરતા સુલેમાન પટેલની વડોદરાની હોટલમાંથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા 2 દિવસના રીમાન્ડ મંજૂર કરાયા હતા. જે રીમાન્ડ પૂર્ણ થતાં સુલેમાન પટેલને ભરૂચ સબજેલ ખાતે મોકલવામાં આવ્યા હતા, ત્યારે ભરૂચ સબજેલમાં સજા ભોગવી રહેલ સુલેમાન પટેલની સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લઈ જામીન અરજી અંગે ચર્ચા કરી હતી. કોંગ્રેસ અગ્રણી ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે, સુલેમાન પટેલ અમારા પરિવારના નજીકના વ્યક્તિ છે, અને કોંગ્રેસમાંથી વાગરા વિધાનસભા બેઠક પરથી તેઓ 2 વખત ચૂંટણી પણ લડ્યા છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, સુલેમાન પટેલ કોંગ્રેસને હમેશા મજબૂત કરવાના સતત પ્રયાસ પણ કરે છે, ત્યારે તેમનાં કપરા સમયમાં મારો પરિવાર અને કોંગ્રેસ તેમની પડખે ઉભા રહી કાયદાકીય લડાઈ લડીશું તેમ કોંગ્રેસ અગ્રણી ફૈઝલ પટેલે જણાવ્યું હતું.

Next Story