Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેશનલ હાઇવે પર ઝાડેશ્વર ચોકડી નજીક ચકકાજામ, હજારો વાહન ચાલકો અટવાયાં

નર્મદા મૈયા બ્રિજ બન્યો પણ ટ્રાફિક સમસ્યા યથાવત, નર્મદા ચોકડીથી એબીસી સર્કલ ટ્રાફિકનું નવું હોટસ્પોટ.

X

ભરૂચમાં નવા બનેલાં નર્મદા મૈયા બ્રિજ પર કારો ડાયવર્ટ થઇ ગઇ હોવા છતાં નેશનલ હાઇવે પર ઝાડેશ્વર ચોકડી પાસે ચકકાજામની સ્થિતિ જોવા મળી હતી.

ભરૂચની ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં થતો ટ્રાફિકજામ દેશ તથા વિદેશમાં મશહુર થઇ ગયો હતો. ઝાડેશ્વર ચોકડી ખાતે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે નવો કેબલ સ્ટેઇડ બ્રિજ તથા ફલાયઓવર બનાવવામાં આવ્યાં છે. અષાઢી બીજના દિવસથી ભરૂચના ગોલ્ડનબ્રિજને સમાંતર નવા બનેલાં નર્મદા મૈયા બ્રિજને પણ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાયો છે. નર્મદા મૈયા બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાયાં બાદ હાઇવે પરથી પસાર થતી 8 હજાર જેટલી કાર પણ હવે નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થઇ રહી છે. એસટી બસોને પણ નવા બ્રિજ પરથી પસાર થવા દેવા માટે મંજુરી માંગવામાં આવી છે.

હાઇવે પરની કાર નર્મદા મૈયા બ્રિજ પર ડાયવર્ટ થઇ ગયાં બાદ અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ અને વાલીયા ચોકડી પાસે ટ્રાફિકની સમસ્યા અજગરી ભરડો લઇ રહી છે. બીજી તરફ નેશનલ હાઇવે પરથી નર્મદા મૈયા બ્રિજ પર જવા માટે કારચાલકો નર્મદા ચોકડીથી એબીસી ચોકડી સુધી આવે છે. ગઇકાલે સાંજે સાત વાગ્યાના અરસામાં નર્મદા ચોકડીથી એબીસી સર્કલ સુધી ચકકાજામ થઇ ગયો હતો. દહેજ જીઆઇડીસીની કંપનીના કર્મચારીઓને લાવતી લકઝરી બસો, દહેજ જીઆઇડીસીમાંથી આવતી જતાં જતી ટ્રકો અને તેમાં હાઇવેની કારોનો ટ્રાફિક ઉમેરાયો છે. આમ હવે ભરૂચમાં આ રસ્તો ટ્રાફિકના નવા હોટસ્પોટ તરીકે ઉભરી રહયો છે.

નર્મદા મૈયા બ્રિજને ખુલ્લો મુકાયો તે પહેલાં નેશનલ હાઇવે પર મુલદ ટેકસ પ્લાઝા ખાતેથી રોજની 8 હજાર જેટલી કાર પસાર થતી હતી. અષાઢી બીજ બાદ નેશનલ હાઇવે પરથી કારની સંખ્યા નહિવત થઇ ચુકી છે, કારણ કે મોટાભાગના કારચાલકો હવે નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ કરી રહયાં છે. નેશનલ હાઇવે પર કારની સંખ્યા ઘટી હોવા છતાં ટ્રાફિકનું ભુત પુન: ધુણ્યું છે. નેશનલ હાઇવે પર બુધવારના રોજ સવારથી ટ્રાફિકજામથી થઇ જતાં અનેક વાહનચાલકો અટવાય પડયાં હતાં. 341 કરોડ રૂપિયાના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો હોવા છતાં ભરૂચ ફરીથી ટ્રાફિકની સમસ્યા માથું ઉંચકી રહી છે.

Next Story