/connect-gujarat/media/post_banners/1c5aed1cb72d744ec77ff39c6820c1741e2b869c21ee94fafa251eac8fc48328.webp)
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઓભા અને પાંજરોલી ગામ વચ્ચે 5 દિવસ અગાઉ સાંજના સુમારે ઓલપાડના મોર ગામે રહેતા અશોક બામણિયા કાર લઈ ગંધાર જતા હતા. આ દરમ્યાન બાઇક ઉપર આવેલા 3 શખ્સોએ તેઓની કારને રોકી લિફ્ટ માંગી હતી, ત્યારે અશોક બામણિયાને આ શખ્સોએ બંધક બનાવી કાર, એટીએમ કાર્ડ, મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
રૂપિયા 5.54 લાખની લૂંટની આ ઘટનાની તપાસ ભરૂચ LCB પીઆઈ. ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ PSI પી.એમ.વાળા, જે.એન.ભરવાડ અને હાંસોટ PSI પી.એમ.દેસાઈએ ટીમો બનાવી શરૂ કરી હતી, જ્યાં હાઇવેની હોટલો, ઢાબાઓ સહિતના વિસ્તારોમાં સ્થળ તપાસ, CCTV ચેકીંગ, હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટીમો 4 દિવસથી લૂંટનો ગુનો ડિટેકટ કરવા કામે લાગી હતી. આ દરમિયાન લૂંટમાં ગયેલી સફેદ રંગની કાર સુરતના અમરોલીમાં હોવાની બાતમી મળી હતી. લૂંટમાં ગેયેલી કાર સાથે 3 આરોપીઓને હસ્તગત કરી લેવાયા હતા.
પોલીસે કાર, રોકડા 6800, એરગન, 4 મોબાઈલ મળી 3.08 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ અમરોલી રહેતા આરોપીઓ ઋષિ રઘુ કળોતરા, ભરત ભનુ ઉર્ફે રાજુ મારૂં અને યોગેશ ઉર્ફે યોગી મનસુખ હેલૈયા લૂંટ પહેલા જે તે માર્ગ અને ભૌગોલિક વિસ્તારથી અવગત થતા હતા. જે બાદ બાઇક ઉપર 3 સવારી નીકળી એકલ-દોકલ જતા વાહનોને નિશાન બનાવતા હતા. લિફ્ટના બહાને વાહન ઉભું રાખી એરગન બતાવી બંધક બનાવી લૂંટીને ફરાર થઇ જતાં હતા.
જોકે, આરોપીઓની અત્યાર સુધીની પોલીસ પૂછપરછમાં કારની ડીકીમાં રોકડા 3 લાખ ભરેલી VIPની કોઈ બેગ નહીં હોવાની જ કેફિયત વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે સુટકેશમાં રોકડા 3 લાખને લઈ ફરિયાદી લેબર કોન્ટ્રાક્ટર પણ હાલ શંકાના ઘેરામાં આવ્યો છે. આ અંગે પોલીસે ઉલટ તપાસ સાથે ઝડપાયેલા 3 લૂંટારુંઓના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.