ભરૂચ જીલ્લામાં ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત માછીમારોને રોજગારી માટે ફાળવાયેલી આલિયા બેટની જમીન અન્ય પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેવામાં આવતા માછીમારોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ નજીક નર્મદા નદીના પટમાં બાડભુત બેરેજ યોજનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઇ જતી હોવાના કારણે આ યોજના શરૂ કરવામાં આવી તે પહેલાથી જ માછીમારોએ આ યોજના સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ સરકારને અસંખ્ય આવેદન પત્રો સાથે લોહીથી લખેલા અને ચાંદીનું આવેદન પત્ર આપીને પોતાની રજૂઆત સરકાર સમક્ષ પહોચાડી હતી. માછીમારોના વિરોધ અને વારવાર લેખિત મૌખિક રજૂઆતોના પગલે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ભાડભુત બેરેજના અસરગ્રસ્ત પરિવારોને રોજગારી માટે આલિયા બેટ ખાતે સરકારી ખરાબાની જમીન એક્વાકલ્ચર માટે સામૂહિક ધોરણે ફાળવી આપવા માટે વર્ષ 2019માં સરકારમાં દરખાસ્ત મુકવામાં આવી હતી, અને તે દરખાસ્તને લઈને સ્થાનિક માછીમાર પરિવારોએ ભાડભૂત બેરેજ યોજનાના કારણે થતું આર્થિક નુકશાન વેઠીને સરકારના નિર્ણયની રાહ જોઈ વિરોધ કરવાનું મુલતવી રાખ્યું હતું. પરંતુ ઘણા સમય વીતવા છતાં અચાનક જ માછીમારો માટેની દરખાસ્તની અવગણના કરીને સરકાર દ્વારા આ જમીન એક પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેતા માછીમારોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજરોજ માછીમાર સમાજે ભાડભુત બેરેજ સાઈડ ઓફિસર વી.સી.પટેલની ઓફિસે ભેગા થઈ આવનારા સમયમાં જો આ બાબતે ધ્યાન આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે પ્રોજેક્ટને બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, ત્યારે આ બાબતે પ્રોજેક્ટના સાઈડ ઓફિસર દ્વારા માછીમારોની રજૂઆત સરકાર સુધી પહોંચાડી માછીમારોને યોગ્ય ન્યાય મળશે તે બાબતનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.