/connect-gujarat/media/post_banners/fe2d43d491be8ed3e8fe5654811493733c2fc93f8ef9f949d2b2c901dd082f5e.jpg)
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં હજારો લોકો આજે પણ માળખાકીય સુવિધાઓના અભાવે હાલાકીનો સામનો કરી રહયાં છે. વારંવાર રજુઆત કરવા છતાં કોઇ પગલા ભરવામાં આવતાં ન હોવાથી હવે લોકો પણ પાલિકા સામે હથિયાર હેઠા મુકી દેવા મજબુર બન્યાં છે......
ભરૂચના પશ્ચિમ વિસ્તારને હર હંમેશા વિકાસના કામોમાં ઓરમાયું વર્તન રખાતો હોવાના આક્ષેપો થતાં આવ્યાં છે. નગરપાલિકામાં કોઇ પણ પ્રમુખ હોય પણ આક્ષેપોની વણથંભી વણઝાર ચાલતી આવી છે. પશ્ચિમ વિસ્તારમાં ખુલ્લી ગટરો, બિસ્માર રસ્તાઓ સહિતની અનેક સમસ્યાઓ છે પણ લોકોનો આક્ષેપ છે કે, પાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓ આ સમસ્યાઓનો હલ લાવવામાં રસ દાખવતાં નથી. આ વિસ્તારમાં કાંસો અને ગટરો ખુલ્લી હોવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકો ગટરમાં પડી રહયાં છે. પાલિકાએ કોઇ કાર્યવાહી નહિ કરતાં આખરે સ્થાનિકો ખુલ્લી ગટરોની ફરતે આડાશ મુકી લોકોનો જીવ બચાવી રહયાં છે. શાસકોની સાથે વિપક્ષ પણ આંખે પાટા બાંધીને બેઠો છે. વિપક્ષી સભ્યો પણ પોતાના જ વિસ્તારમાં કામ થતાં હોવાના કારણે અન્ય વિસ્તારોની ચિંતા કરતા નથી. ફાટા તળાવથી ફુરજા બંદર સુધીની ખુલ્લી ગટર અને બિસ્માર બની ગયેલા માર્ગો વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી બની ગયા છે સ્થાનિક વેપારીઓએ પણ વારંવાર આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છતાં પણ તેઓની સમસ્યા હલ ન થતાં આખરે વેપારીઓએ પણ હથિયાર હેઠા મુકી દીધાં છે..