Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી પત્નીની ઠંડા કલેજે હત્યા, પતિએ જ ઝેર આપી મારી નાંખી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પતિએ પત્નીની સાઇનાઇડ નામનું કાતિલ ઝેર આપી હત્યા કરી નાંખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પતિએ પત્નીની સાઇનાઇડ નામનું કાતિલ ઝેર આપી હત્યા કરી નાંખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એફએસએલની ટીમે મૃતકને ચઢાવેલા બોટલ તથા સિરિંજમાં ઝેર હોવાની પૃષ્ટિ કરતાં પોલીસે આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે......

અંકલેશ્વરના મોતાલી ગામમાં આવેલી ગણેશ રેસીડન્સીનું આ મકાન કે જેમાં એક મહિના પહેલાં જીજ્ઞેશ પટેલ અને તેમના પત્ની ઉર્મિલાબેન રહેતાં હતાં. પણ આજે ઉર્મિલાબેનનું મોત થઇ ચુકયું છે તો જીજ્ઞેશ પટેલ પત્નીની હત્યાના ગુનામાં જેલના સળિયા પાછળ ધકેલાય ગયો છે. જીજ્ઞેશ અને ઉર્મિલાએ 8 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતાં. ઉર્મિલા પરણિત હતી અને પ્રથમ પતિથી અલગ થઇ જીજ્ઞેશ સાથે જીવનની બીજી ઇનિગ્સનો પ્રારંભ કર્યો હતો. શરૂઆતના દિવસોમાં પ્રેમ, હુંફ અને લાગણીથી ભરપુર લગ્ન જીવનમાં કૌટુબિંક ઝગડાઓએ નફરતનું ઝેર ભરી દીધું હતું. જીજ્ઞેશ પટેલ યુપીએલ કંપનીમાં નોકરી કરતો હતો અને અગાઉ તે સાઇનાઇડ વિભાગમાં ફરજ બજાવી ચુકયો હતો. જીજ્ઞેશે પત્ની ઉર્મિલાનો કાંટો કાઢી નાંખવા માટે મનોમન નકકી કરી સાઇનાઇડની એક ગોળી પોતાના ઘરે લઇ આવ્યો હતો. જીજ્ઞેશ ઉર્મિલાને ઝેર આપવાની તક શોધતો હતો.

પતિના કાતિલ ઇરાદાઓથી બેખબર ઉર્મિલાને એક દિવસ છાતીમાં દુખાવો થયો.. બસ જીજ્ઞેશ આ તકની જ રાહ જોતો હતો. તેણે પોતાના સાળા વિજયને ફોન કરી ઉર્મિલા બિમાર હોવાની માહિતી આપી તેને પિયર સારંગપુર લઇ ગયો હતો. બિમાર ઉર્મિલાને અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલી ઓરેન્જ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઉર્મિલાના રીપોર્ટ નોર્મલ આવ્યાં હતાં છતાં તેની તબિયત લથડી હતી અને અચાનક તેનું મોત થઇ ગયું હતું. સ્વસ્થ ઉર્મિલાનું મોત થતાં ઓરેન્જ હોસ્પિટલના તબીબ તથા સાળા વિજય વસાવાએ પોલીસમાં જાણ કરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઉર્મિલાને આપવામાં આવેલી દવાઓ તથા બોટલોને એફએસએલની તપાસ માટે મોકલ્યાં હતાં. એફએસએલનો રીપોર્ટ આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઉર્મિલાને ચઢાવવામાં આવેલાં એક બોટલમાં સાઇનાઇડ નામના અંત્યંત ઝેરી પદાર્થની હાજરી મળી આવી હતી. પોલીસે તપાસનો દોર લંબાવ્યો અને આરોપી સુધી પહોંચી હતી.

આરોપી જીજ્ઞેશ પટેલ કેમિકલ કંપનીમાં ઓપરેટર હોવાથી તેણે ઠંડા કલેજે પત્નીની હત્યા કરી નાંખી છે. પોલીસે આરોપી જીજ્ઞેશ પટેલની પુછપરછ કરતાં તેણે સાસરિયાઓના ત્રાસથી કંટાળી જઇ પત્ની ઉર્મિલાની હત્યા કર્યાની કબુલાત કરી છે...

ઓરેન્જ હોસ્પિટલમાં સારવાર લેવા ગયેલી ઉર્મિલાને તેના જ પતિએ ગ્લુકોઝની બોટલમાં ઝેર આપી મારી નાંખી છે. એક મહિનાની સઘન તપાસ બાદ આરોપી ના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. હાલ તો અંકલેશ્વર શહેર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ મૃતક ઉર્મિલાના ભાઇએ તેની બહેન સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું હતું....

ઉર્મિલાએ જીજ્ઞેશ સાથે જીવનની બીજી ઇનિગ્સ શરૂ કરી હતી પણ તેનો કરુણ અંજામ આવ્યો છે. ઉર્મિલા પ્રથમ પતિથી બે સંતાનોની માતા બની ચુકી હતી. તેના બે સંતાનોએ માતાનું છત્ર ગુમાવી દીધું છે જયારે જીજ્ઞેશ પણ હવે જેલના સળિયા ગણતો થઇ ગયો છે.

Next Story