આજરોજ 24મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી પ્રસંગે નર્મદા નદીના અનેક ઘાટ પર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય રહ્યા છે, ત્યારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નર્મદા નદીને કાંઠે આવેલ વિશ્વ ગાયત્રી મંદિર તેમજ દાંડિયા બજાર સ્થિત દસાશ્વમેઘ ઘાટ ખાતે આવેલ નર્મદા માતાના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતની પ્રથમ એક એવી નર્મદા નદી છે કે, જેનાં દર્શન માત્રથી પાપ મુક્ત થવાય છે, ત્યારે આજે 24મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લામાં આવેલ નર્મદા માતા મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ વિશ્વ ગાયત્રી મંદિર ખાતે શ્રીશ્રીશ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી અલખગીરી મહારાજના સાનિધ્યમાં નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે શ્રી સપ્તર્ષિ કથા, ગાયત્રી મહાયજ્ઞ, નર્મદા મહાપૂજન, અન્નકૂટ, મહાભિષેક, 1000 સાડી અર્પણ, નૌકાવિહાર, સંધ્યાકાળે સવા લાખ દીવડાની મહાઆરતી સહિત ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આજના પવિત્ર દિવસે સંધ્યાકાળના સમયે નર્મદા નદી કાંઠે સમૂહ આરતીનો અદભુત નજારો પણ જોવા મળશે, ત્યારે દિવસભર નર્મદા જયંતિની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થવા ભરૂચવાસીઓને આમંત્રણ પાઠવાયું છે.
ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પાવન સલિલા મા નર્મદા નદીનું અનેરૂ મહત્વ રહેલું છે, ત્યારે આજરોજ 24મી નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચના દાંડિયા બજાર સ્થિત દસાશ્વમેઘ ઘાટ ખાતે આવેલ નર્મદા માતાના મંદિરે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદા જયંતિની ઉજવણીના ભાગરૂપે નર્મદા માતાની પ્રતિમાને જળાભિષેક, દુગ્ધાભિષેક, પૂજન-અર્ચન, સાડી અર્પણ, મહાઆરતી, મહાયજ્ઞ સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં ભરૂચ શહેરની જનતા સહભાગી થઈ ધન્યતા અનુભવે તે માટે દાંડિયા બજાર સ્થિત નર્મદા માતા મંદિરના ટ્રસ્ટી ગિરીશભાઈ શુકલએ આમંત્રણ પાઠવ્યું છે.