/connect-gujarat/media/post_banners/c6a00a3c34fd3deb0cef91006536093ba6613d466dfafd3bde2d235f634d5e9a.jpg)
ભરૂચ જિલ્લાની રીલાયન્સ કંપની દ્વારા લુવારા ગામની હદમાં લેબર કોલોની બનાવવા સામે ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લુવારાના ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, રીલાયન્સ કંપની દ્વારા હાલમાં લેબર કોલોની બનાવવા માટે તજવીજ ધરવામાં આવી છે. જે સામે ગ્રામજનોનો સખત વિરોધ છે. જે માટે ખાસ સામાન્ય સભા અને ગ્રામસભામાં પણ ઠરાવ દ્વારા વિરોધ દર્શાવેલ છે. ગામના ભવિષ્ય માટે આ લેબર કોલોની યોગ્ય નથી. કારણ કે, આ કોલોનીમાં બેચલર લોકો અને બહારના લોકો આવશે. જેથી ગામની બહેન-દિકરી અને બાળકોનું ભાવી જોખમમાં મુકાવાની દહેશત ગામમાં ફેલાય છે. આ અગાઉના સમયમાં ઘણા એવા બનાવ બન્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યુ હતું.
આ ઉપરાંત સરકાર અને જીઆઈડીસીની ગાઈડલાઈન મુજબ ગામથી અંદાજીત 300 મીટર દુર કંપનીએ કોઈપણ પ્રકારનું બાંધકામ કરવુ જોઈએ અને પંચાયતની પરવાનગી લેવી જોઈએ. તે પણ પંચાયતમાંથી બાંધકામ પરવાનગી લીધેલ નથી. રીલાયન્સ કંપનીના પ્લોટમાંથી ગામના વરસાદી પાણીના નિકાલ માટે કાંસ આવેલ છે, જે પણ કંપની દ્વારા પુરાણ કરી દેવામાં આવેલ છે. જેથી ગામમાં પાણી લોકોના ઘરમાં આવી જતાં હોય અને આર્થિક નુકશાન પણ થયું હોવાનું બન્યું છે. જેના નિકાલ માટે રીલાયન્સ કંપની દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, તેવો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, ગામની જમીન ગુમાવનારને પણ રીલાયન્સ કંપની દ્વારા કાયમી નોકરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.