ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં અતિ બિસ્માર રસ્તાઓને લઈ યુવા કોંગ્રેસ દ્વારા નેત્રંગ ચાર રસ્તા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન યુવા કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુ બાદથી જ જિલ્લાના અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત બિસ્માર બની છે. મુખ્ય માર્ગો પર જ ઠેરઠેર મસ મોટા ખાડા અને રસ્તા પરથી વાહન પસાર કરી લઈ જવુ પણ મુશ્કેલી સમાન બન્યું છે. તંત્રમાં સ્થાનિકો સહિત વિપક્ષ દ્વારા અવારનવાર રજૂઆતો કરી છે. છતાં આ અંગે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ રણનીતિ સાથે રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું નથી, અને આવ્યું છે તો માત્ર પેચ વર્ક કામગીરી કરી તંત્ર એ સંતોષ માન્યો છે, ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ ચાર રસ્તા વિસ્તારમાં કોંગ્રેસના લોકસભા બેઠકના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાણની આગેવાનીમાં તંત્રને જગાડવાના ભાગરૂપે અને રસ્તાઓની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને રસ્તા વચ્ચે બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો, તેમજ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે પણ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં તંત્ર વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કરી બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી.