ભરૂચ અને અંકલેશ્વરમાં આગનું તાંડવ, બે સ્થળોએ ભીષણ આગ ફાટી નિકળતા ફાયર ફાયટરો થયા દોડતા
ભરૂચ અને અંકલેશ્વરમાં બે સ્થળોએ ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં ગોડાઉનમાં આગ ફાટી નિકળી હતી
ભરૂચ અને અંકલેશ્વરમાં બે સ્થળોએ ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં ગોડાઉનમાં આગ ફાટી નિકળી હતી તો ભરૂચ જીઆઈડીસીની એક કંપનીમાં પણ આગનો બનાવ બન્યો હતો
ભરૂચ જીલ્લા માટે ગુરુવારનો દિવસ જાણે આગના નામે રહયો હતો. અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં ETL ચોકડી નજીક સોલવન્ટનું ગોડાઉન આવેલું છે જેમાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં સોલવન્ટના ડ્રમ હોવાના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડી.પી.એમ.સી., પાનોલી,અંકલેશ્વર નગર પાલિકા અને ખાનગી કંપનીઓના 10થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. લગભગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આ ઘટનામાં નજીકમાં કામ કરી રહેલ 2 કામદારો દાઝી જતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ જી.પી.સી.બી.ની ટીમે તપાસ શરૂ કરી છે
અંકલેશ્વરમાં લાશ્કરો એક તરફ આગ પર કાબૂ મેળવી રહ્યા હતા તો બીજી તરફ ભરૂચ જીઆઈડીસીમાં પણ આગનું તાંડવ જોવા મળ્યું હતું. ભરૂચ જીઆઈડીસીમાં આવેલ પેટ્રોકેમ કંપની વેક્ષ ઓઇલ કંપનીમાં પણ ભીષણ આગ ફાટી નીકળી હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ નગરપાલિકા અને જી.એન.એફ.સી.ના 8થી વધુ ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ગંભીરતા સમજી કંપનીની આસપાસના તમામ માર્ગો બ્લોક કરી દેવામાં આવ્યા હતા. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બનાવની ગંભીરતા સમજી ફેક્ટરી એન્ડ હેલત્ર વિભાગ,ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો