Connect Gujarat
ભરૂચ

આ રહ્યા "ભરૂચ" ભાજપના 5 મુરતિયાઓ, જુઓ શું કહ્યું ઉમેદવારોએ..!

ભરૂચ વિધાનસભાની 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર, ભાજપ ઉમેદવારોના સમર્થકોમાં છવાયો છે ભારે આનંદ

X

દિલ્હી કમલમ ખાતે ગત મોડી રાત સુધી મનોમંથન કર્યા બાદ ભાજપ દ્વારા ગુજરાતના પહેલા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, ત્યારે ભરૂચ વિધાનસભાની 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર થતાં જ પાંચેય ઉમેદવારો સહિત સમર્થકોમાં ભારે આનંદ છવાયો હતો. ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે ઢોલ નગારા અને ફટાકડા ફોડી ભાજપની ભવ્ય જીતની આશા વ્યક્ત કરી હતી.

ગુજરાતની ચૂંટણી તા. 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર થઈ એને સપ્તાહ વીતી ગયું છે. જોકે, પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે ગણતરીના દિવસ જ બાકી છે, ત્યારે BJPએ પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગઈકાલે દિલ્હી કમલમમાં મોડી રાત સુધી મનોમંથન કર્યા બાદ ગુજરાતના પહેલા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતના વિવિધ જિલ્લા સહિત ભરૂચ જિલ્લાની 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર થતાં જ ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે ભેગા થયેલા સમર્થકોએ ભાજપના ભવ્ય જીતની આશા વ્યક્ત કરી હતી.

ભરૂચ વિધાનસભા મતવિસ્તારની 5 બેઠકની વાત કરીએ તો, ભરૂચ બેઠક પરથી રમેશ મિસ્ત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ વિધાનસભા બેઠક માટે સતત 3 ટર્મના ધારાસભ્ય દુષ્યંત પટેલ કપાયા છે. માજી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને ફરી ભજપાએ તક આપી છે. રમેશ મિસ્ત્રી અગાઉ એક ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. વિશ્વ હિન્દૂ પરિષદમાં મહત્વના હોદ્દા ઉપર રહી ચૂકેલા રમેશ મિસ્ત્રી હિન્દુવાદી નેતાની છાપ ધરાવે છે. જોકે, ફરી એકવાર સંજોગો બદલાતા દુષ્યંત પટેલની ટિકિટ કાપી રમેશ મિસ્ત્રીને તક આપવામાં આવી છે.

તો આ તરફ, જંબુસર વિધાનસભા મત વિસ્તાર માટે પણ ચૂંટણીની જાહેરાતમાં ઉમેદવારોના પરિવર્તન અને પુનરાવર્તન માટે જોર લગાવાઈ રહ્યું હતું . ભાજપામાંથી છત્રસિંહ મોરિ વધુ એક તક માંગી હતી, તો કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરનાર કિરણ મકવાણા અને યુવા કાર્યકર બળવંત પઢીયાર પણ તક માંગી રહ્યા હતા. રાજકીય ખેંચતાણ વચ્ચે ગત ટર્મમાં સંઘ તરફથી મજબૂત ટેકો હોવા છતાં રાજકીય આટાપાટાના કારણે ટિકિટ ન મેળવનાર સ્વામિનારાયણના સંત ડી.કે. સ્વામીને વિધાનસભા ચૂંટણી 2022 માટે તક મળી છે. ડી.કે.સ્વામી સ્વામિનારાયણ પંથના સંત છે, જેઓ સ્થાનિક હિન્દુ મતદારો ઉપર મજબૂત પકડ ધરાવે છે. ઉપરાંત તેમના મોટી સંખ્યામાં અનુયાયીઓ પણ છે.

તો બીજી તરફ, વાગરા વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે છેલ્લી 2 ટર્મથી આ બેઠક ઉપર જીત મેળવનાર અરુણસિંહ રણાને ટિકિટ આપવામાં આવી છે. વાગરા મત વિસ્તાર કોંગ્રેસની કમિટેડ સીટ માનવામાં આવતી હતી. જોકે, વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપાનો હાથ પકડનાર અરુણસિંહને ટિકિટ આપી હતી. જેમાં અરુણસિંહે તેમના જ રાજકીય ગુરુ અને કોંગ્રેસના અગ્રણી ઇકબાલ પટેલને પરાજિત કરી ભાજપાને બેઠક અપાવી હતી. આ બાદ વર્ષ 2017 ચૂંટણીમાં પણ પરિણામનું પુનરાવર્તન થયું હતું. અરૂણસિંહની વિસ્તારમાં મજબૂત પકડ અને આક્રમક નેતા તરીકેની છાપને ધ્યાને લઈ તેમને હેટ્રિક લગાવવા તક આપવામાં આવી છે.

અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં પણ ઘણી અટકળો વચ્ચે માજી મંત્રી ઈશ્વરસિંહ પટેલને ભાજપા દ્વારા અંકલેશ્વર બેઠક ઉપર સતત પાંચમી ટર્મ માટે ટિકિટ આપવામાં આવી છે. ઈશ્વર પટેલ રાજ્ય સરકારમાં સહકાર મંત્રી રહી ચૂક્યા છે. ભુપેન્દ્ર પટેલની સરકારમાં સિનિયર મંત્રીઓ સાથે ઈશ્વર પટેલ પાસેથી પણ મંત્રી પદ પરત લેવાયું હતું. કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક ઉપર કોળી ઉમેદવાર રિપીટ કરાયા છે.

અંતે હવે, ભરૂચ જિલ્લાની મહત્વની બેઠક એવા ઝઘડીયા વિધાનસભા મત વિસ્તારમાં ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ રિતેશ વસાવાને ભાજપાએ ઉમેદવાર જાહેર કર્યા છે. 3 દાયકા ઉપરાંતથી ઝગડીયા બેઠક ઉપર ભાજપાએ જીત મેળવી નથી. તો બીજી તરફ, રિતેશ વસાવા યુવાન મતદારો ઉપર સારું પ્રભુત્વ ધરાવે છે. આ બેઠક ઉપર સતત 7 ટર્મ સુધી છોટુ વસાવા ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ વખતે છોટુ વસાવાની ટિકિટ કપાઈ છે, અને મોદી લહેર દેખાઈ રહી છે, ત્યારે ભાજપની જીત માટે રિતેશ વસાવા ઉપર પસંદગી ઉતારાઈ છે.

Next Story