Connect Gujarat
ભરૂચ

"શ્રીરામ નોમ" : ભરૂચ અને અંકલેશ્વરમાં રામનવમીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી…

ભરૂચ તથા અંકલેશ્વર શહેરમાં ઠેરઠેર શ્રી રામની ભવ્ય શોભાયાત્રાઓ સહિત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

X

આજરોજ ભરૂચ જીલ્લામાં શ્રીરામ મહોત્સવની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ તથા અંકલેશ્વર શહેરમાં ઠેરઠેર શ્રી રામની ભવ્ય શોભાયાત્રાઓ સહિત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીએ સમગ્ર ભારતને બાનમાં લીધું હતું. જેના કારણે તહેવારો અને ઉત્સવો ઉપર રોક લાગી ગઈ હતી. પરંતુ કોરોનાની ત્રીજી લહેરા નહિવત રહેતા સરકારે પણ વિવિધ તહેવારો અને ઉત્સવ ઉજવવાની મંજૂરી આપી છે, ત્યારે આજરોજ ભરૂચ શહેર તથા જિલ્લામાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વેજલપુર ખાતે રામનવમી નિમિત્તે શોભાયાત્રા યોજાય હતી, ત્યારે ભગવાન શ્રીરામના નારાઓથી શહેરના માર્ગો પર ગુંજી ઉઠ્યા હતા. આ શોભાયાત્રા રામજી મંદિરથી પ્રસ્થાન થઈ નિઝામવાડી, બંબાખાના, નાનીબજાર, ગામડિયાવાડ, લીમડી ચોકથી ઝંડા ચોક થઈ મહાકાળી મંદીરે પહોચી મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ધર્મેશ મિસ્ત્રી, દિપક મિસ્ત્રી, નિશાંત મોદી સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં શ્રીરામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

તો બીજી તરફ અંકલેશ્વરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનોએ શહેરના ત્રણ રસ્તા ખાતેથી રામનવમી મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. આ વર્ષે ભરૂચ જિલ્લામાં 91 સ્થળોએ રામ મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાઓ અને રામ ભગવાનના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રામ મહોત્સવ નિમિત્તે અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીકથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા રામકુંડ ખાતે પહોંચી હતી, ત્યારબાદ રામ કુંડ મંદિરે રામનવમીની પૂજા-અર્ચના, મહાઆરતી, મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના વિરલ પટેલ અને અજય મિશ્રા સહિતના મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story