/connect-gujarat/media/post_banners/a39e2ed8bcd42e2fa4275023b9db19422e4dc963ebd7b97af42b95ad58670ab5.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી પાનોલીને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિક અરજદારે અંકલેશ્વરમાં મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી માર્ગના સમારકામ અંગે રજૂઆત કરી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પણ તેમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી જ હાજર નહીં હોવાથી અરજદારો રોષે ભરાયા હતા. પાનોલીથી વાયા ઉમરવાડા થઇ અંકલેશ્વરને જોડતો રસ્તો વર્ષોથી બિસ્માર હોવા છતાં તેનું નવીનીકરણ નહિ કરાવવામાં આવતાં સ્થાનિકોએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરી છે. જેમાં અરજદારોને અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા, પણ માર્ગ અને મકાન વિભાગના અધિકારી હાજર નહી હોવાથી તેમને ધક્કો પડ્યો હતો. આ માર્ગનો પાનોલી, રવિદ્રા, કરમાલી, ઉમરવાડા, સંજાલી સહીત નજીકમાં 5થી વધુ ગામોના લોકો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ કંપનીઓના ભારદારી વાહનો પણ અહીંથી પસાર થાય છે. આ રસ્તો નવો બનાવવામાં છેલ્લા ઘણા સમયથી વિલંબ થઇ રહ્યો હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. જોકે, સ્થાનિક અરજદારે વર્ષ 2021થી અરજીઓ કરી છે. પરંતુ આજદિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી. અંકલેશ્વરથી પાનોલીનો આખો રસ્તો ખરાબ થઇ ગયો છે. 2014માં રસ્તાનું કામ શરૂ કરી 2015માં પુરુ કરી દેવાનું આયોજન હતું. પણ આજદિન સુધી રસ્તો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહયું છે, ત્યારે આ પ્રશ્નનો હલ લાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.