Connect Gujarat
ભરૂચ

ભરૂચ : યુવકની સગાઈ તૂટી જતાં અન્ય સાગરીતો સાથે મળી આમોદના શ્રીકોઠી ગામેથી કર્યું હતું યુવતીનું અપહરણ, 5 લોકો ઝડપાયા

શ્રીકોઠી ગામ નજીથી યુવતીનું અપહરણ કરનાર 5 યુવકોની પોલીસે અમદાવાદના બગોદરાના અરણેજ ગામ નજીકથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભરૂચ : યુવકની સગાઈ તૂટી જતાં અન્ય સાગરીતો સાથે મળી આમોદના શ્રીકોઠી ગામેથી કર્યું હતું યુવતીનું અપહરણ, 5 લોકો ઝડપાયા
X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના શ્રીકોઠી ગામ નજીથી યુવતીનું અપહરણ કરનાર 5 યુવકોની પોલીસે અમદાવાદના બગોદરાના અરણેજ ગામ નજીકથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, ભરૂચના આમોદ તાલુકાના સરભાણ ગામે રહેતાં મિત્તલ મૌલિક પટેલ મૂળ રહે. રાજનપુર બાલાસિનોર. જી.મહીસાગર જેઓ શ્રીકોઠી ગામે છેલ્લા 7 મહિનાથી બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવે છે.

મિત્તલબેન તેમજ તેમની ભત્રીજી ક્રિષ્નાબેન મોપેડ લઈને રોધ ગામે ટપાલ આપવા નીકળ્યા હતા, ત્યારે બપોરના સમયે શ્રીકોઠી ગામે સ્મશાન પાસે કારમાં આવી મિત્તલબેનની મોપેડ આગળ ઉભી રાખી ગેરકાયદેસર અવરોધ ઉભો કરી કારમાંથી નયન નવીન પટેલ રહે. જેઠોલી. તા. બાલાસિનોરનાએ નીચે ઉતરી ક્રિષ્નાને કહ્યું કે, તું નીચે ઉતર મારે તારી સાથે વાત કરવી છે. નયન પટેલની ક્રિષ્ના સાથે અગાઉ સગાઈ થઈ હતી. જે તૂટી ગઈ હતી.

જેથી ક્રિષ્નાએ વાત કરવાની ના પાડતા નયન પટેલે મિત્તલબેનના મોપેડની ચાવી બળજબરીપૂર્વક લઈ બીજા આરોપીઓએ ક્રિષ્નાને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી નાસી છૂટ્યા હતા. જે બાબતે આમોદ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેથી ભરૂચની લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી. એકશન મોડમાં આવી ગઈ હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ ટીમોની માહિતી મળી હતી કે, આરોપીઓ અપહરણ કરી સૌરાષ્ટ્ર તરફ જાય છે.

જેથી તાત્કાલિક એક ટીમ તપાસમાં મોકલી તપાસમાં ગયેલ ટીમ દ્વારા આરોપીઓને અમદાવાદ જિલ્લાના બગોદરાના અરણેજ ગામ નજીક હાઇવે પાસેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે અપહરણ કરનાર નયન પટેલ, ધ્રુવલ પટેલ, રૂત્વલ પટેલ, સ્મિત ઉર્ફે ચિન્ટુ પટેલ અને તરંગ પટેલ મળી કુલ 5 આરોપીઓ પાસેથી 2 કાર તેમજ 6 નંગ મોબાઈલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story