Connect Gujarat
ગુજરાત

ભાવનગર : 912 જેટલા સુપર સ્પેડર્સોનું કરાયું હેલ્થ સ્ક્રિનિંગ, આગામી સમયમાં પણ આરોગ્ય તપાસણી યથાવત

ભાવનગર : 912 જેટલા સુપર સ્પેડર્સોનું કરાયું હેલ્થ સ્ક્રિનિંગ, આગામી સમયમાં પણ આરોગ્ય તપાસણી યથાવત
X

વૈશ્વિક મહામારી એવા કોરોના વાયરસ ડિસીઝે રાજ્યની સાથે ભાવનગર જિલ્લાને પણ ભરડામાં લીધો છે, ત્યારે તેના વધુ સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ પ્રયત્નબદ્ધ છે. જેના પગલે ભાવનગર મહા નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરીયાણા અને દવાની દુકાનધારકો, શાકભાજી તથા ફળના ફેરિયાઓ અને દૂધવાળા સહિતના 912થી વધુ લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું. સ્પર્શ અને સંપર્કના કારણે સંક્રમણનું જોખમ ધરાવતા નોવેલ કોરોના વાયરસના ચેપની શક્યતાઓ સુપર સ્પ્રેડરના કારણે વધી જાય છે.

ભાવનગર શહેરી વિસ્તારોમાં આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા તેમના આરોગ્યની તપાસણી હાથ ધરવામાં આવી. અત્યાર સુધીમાં 912 સુપર સ્પ્રેડરનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું. જે પૈકી કોઈપણ વ્યક્તિને તાવ, શરદી, ખાંસીના લક્ષણો જણાયા ન હતા. સાથે સાથે જો આવા કોઈપણ લક્ષણો જણાય તો નજીકના સરકારી દવાખાના કે હોસ્પિટલમાં સારવાર લેવા પણ જણાવવામાં આવ્યું છે. મોટા પ્રમાણમાં વ્યક્તિગત સંપર્કમાં આવતા દુકાનદારો અને ફેરિયાઓના આરોગ્યની તપાસણી સાથે ફરજીયાત માસ્ક અને હેન્ડ ગ્લવ્ઝનો નિયમિત ઉપયોગ કરવા તથા કરીયાણું, શાકભાજી કે દવા જેવી આવશ્યક ચીજવસ્તુ લેવા આવતા ગ્રાહકો વચ્ચે સામાજીક અંતર જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા કરવા સહિતનું આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. વધુમાં આ તમામને આરોગ્ય સેતુ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા પણ અપીલ કરવામાં આવી હતી. કરીયાણાની દુકાન, દવાની દુકાન, શાકભાજીના ફેરિયા, દૂધવાળા, કુરીયર બૉય અને સફાઈ કામદારો મોટા પ્રમાણમાં લોકોના વ્યક્તિગત સંપર્કમાં આવતા હોવાથી ચેપની શક્યતાઓ વધુ રહે છે. તેમને સુપર સ્પ્રેડર પણ કહેવામાં આવે છે. સુપર સ્પ્રેડર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવે તો કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ ઘટાડી શકાય છે, માટે ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રોએક્ટીવ કામગીરી કરી તમામના આરોગ્યની તપાસણી કરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

Next Story