Connect Gujarat
Featured

છોટાઉદેપુર : પરવાટાની મહિલાએ રાષ્ટ્રપતિ પાસે કરી ઈચ્છામૃત્યુની માંગ, જુઓ ગામમાં કેવી છે પારાવાર સમસ્યા..!

છોટાઉદેપુર : પરવાટાની મહિલાએ રાષ્ટ્રપતિ પાસે કરી ઈચ્છામૃત્યુની માંગ, જુઓ ગામમાં કેવી છે પારાવાર સમસ્યા..!
X

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવાટા ગામની સ્થાનિક મહિલાએ પીવાના પાણીની પારાવાર સમસ્યાને લઈને રાસ્ટ્રપતિ પાસે ઈચ્છામૃત્યુની માંગ કરી છે. પરવાટા ગામમાં વિકાસના કામનો અભાવ તો છે જ પરંતુ ગામના લોકો વર્ષોથી પીવાના પાણીની સૌથી મોટી સમસ્યા ભોગવી રહ્યા છે.

પરવાટા ગામમાં રોડ-રસ્તાનો અભાવ છે. ગંદા પાણીના નિકાલ માટે ગટર યોજના પણ નથી. તો સાથે જ વરસાદના પાણીના નિકાલ માટે પણ કોઈ વ્યવસ્થા ન હોવાથી ચોમાસાના સમયે આખેઆખું ગામ બેટમાં ફેરવાઇ જાય છે. ઉપરાંત ગામમાં ધોરણ 1થી 5 સુધીની જ શાળા છે. જોકે વધુ અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ બહારગામ જવું હોય તો મુસાફરી માટે બસની પણ સુવિધા નથી. 1000થી પણ વધુ લોકોની વસ્તી ધરાવતા પરવાટા ગામમાં સ્મશાન પણ નથી. વર્ષોથી આ તમામ સમસ્યા ગામના દરેક લોકો વેઠતા આવ્યા છે. પરંતુ આ બધી સમાસ્યા સામે જો સૌથી મોટી સમસ્યા હોય તો, તે પીવાના પાણીની છે, ત્યારે તોબા પોકારી ઉઠેલા ગ્રામજનો હવે ચૂંટણીના બહિષ્કાર સાથે “કામ નહી, તો વોટ નહી”ના ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

પરવાટા ગામમાં પાણીના કેટલાક બોર હાલ બંધ હાલતમાં આવી જતાં નકામા બની ગયા છે, ત્યારે હાલ ફક્ત એક જ બોર ગામની પ્રાથમિક શાળામાં ચાલે છે. જેમાંથી ગામના તમામ લોકો ઘર વપરાશ માટે પાણી મેળવે છે. જોકે ત્યાં પણ પાણી લેવા માટે લોકોની પડાપડી થાય છે. તો ક્યારેક લાઇટ ન હોય કે, બોરમાં પાણી પૂરું થઈ જાય તો, લોકોને કલાકો સુધી બેસી રહેવાનો વારો આવે છે. જોકે ગામના કિનારે આવેલી નદીમાં ગ્રામજનો ઊંડા ખાડા ખોદી તેમાંથી પણ ટીપું ટીપું પાણી મેળવી રહ્યા છે. જેમાં મહિલાઓને બે બેડા જેટલું પાણી મેળવ્યા બાદ ઊચો ઉવારો ચઢી ગામ તરફ જવું પડે છે. જ્યારે ચોમાસાનો સમય હોય, ત્યારે ગામની મહિલાઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઉપરાંત પરવાટા ગામમાં ધોરણ 1થી 5ની જ શાળા છે, ત્યારે વિદ્યાર્થીઓએ વધુ અભ્યાસ માટે સંખેડા, નસવાડી કે, વડોદરા તરફ જવું હોય તો તેમના માટે બસની પણ સુવિધા નથી. જેથી બસની સુવિધાના અભાવે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. જેથી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને મુસાફરી માટે બસની સુવિધા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

જોકે, પરવાટા ગામમાં પીવાના પાણીની સૌથી મોટી સમસ્યાને લઈ કેટલીક મહિલાઓ કંટાળી ગઈ છે. ગામમાં પીવાના પાણીના બોરમાં જે પાણી આવે છે તેના ટી.ડી.એસ. નું પ્રમાણ 1100થી પણ વધુ છે. જેથી કહી શકાય કે, આ બોરનું પાણી પીવાલાયક તો નથી જ, ત્યારે ગામની એક મહિલાએ આ ગામમાં રહેવા કરતાં મરી જવું વધુ સારું છે. તેમ જણાવી દેશના રાષ્ટ્રપતિને પત્ર લખી પોતાના ઈચ્છામૃત્યુની માંગ કરી છે.

Next Story