વિક્રમ સંવત 2078નો શુભારંભ... નવા વર્ષની શુભ શરૂઆત નગરદેવી ભદ્રકાળીના આશીર્વાદથી લોકોએ કરી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત હજારો માઈભક્તોએ લીધા નગરદેવીના આશીર્વાદ.
આજે કારતક સુદ એકમ એટલે ગુજરાતીઓનું નવું વર્ષ. કહેવાય છે કે નવા વર્ષમાં નગરદેવીના આશીર્વાદ લેવાથી જ તમામ પાપમાંથી મુક્તિ મળતી હોય છે. દર વર્ષે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના આશીર્વાદ લઈને નવા વર્ષની શુભ શરૂઆત કરતાં હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નગરદેવીના આશીર્વાદ લીધા અને અમદાવાદ શહેર સમૃદ્ધિનું શહેર રહે તેવી પ્રાર્થના કરી હતી. જોકે, જ્યારે પણ નવું વર્ષ હોય ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અહીં આશીર્વાદ લેવા માટે આવતા હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ પણ અહીં આશીર્વાદ લેવા માટે આવતા હતા અને એ જ પરંપરા મુજબ ભૂપેન્દ્ર પટેલે પણ આજે ભદ્રકાલીના ચરણોમાં શીશ ઝુકાવ્યું.