-
કનેક્ટ ગુજરાત ટીમ પહોંચી મહાકુંભમાં
-
જનસેલાબ સાથે સાધુસંતોનો મેળાવડો જામ્યો
-
દ્વારકા પીઠના શંકરાચાર્ય સાથે કરી વિશેષ મુલાકાત
-
સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂક પણ રહ્યા ઉપસ્થિત
-
હિન્દુ ધર્મના પ્રચાર પ્રસાર માટે શંકરાચાર્ય દ્વારા કરાઈ અપીલ
-
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના દર્શનનો લ્હાવો લેતા શ્રદ્ધાળુઓ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં જનસેલાબની સાથે અનેક સંત મહાત્માઓ દ્વારા પણ શ્રદ્ધાળુઓને ધર્મરૂપી સંજીવનીના આશીર્વચનોનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે,ગુજરાતના શ્રી દ્વારકા શારદા પીઠ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ અને જ્યોતિષપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા કનેક્ટ ગુજરાતની ટીમને એક વિશેષ યાદગાર મુલાકાત આપી હતી.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે પવિત્ર માઁ ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે દેશ વિદેશથી બહોળી સંખ્યમામાં જનસેલાબ ઉમટી રહ્યો છે,આ મહાકુંભમાં માત્ર સ્નાનનું જ મહત્વ નથી પરંતુ અહીંયા ઉપસ્થિત સાધુસંતો પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બિંદુ બન્યા છે.
ગુજરાતના જાણીતા સૌરાષ્ટ્ર સ્થિતના દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા પ્રયાગરાજમાં સેવાયજ્ઞની ધૂની ધખાવી રહ્યા છે,ત્યારે આ પ્રસંગે કનેક્ટ ગુજરાતની ટીમ પણ આ આસ્થારૂપી યજ્ઞની સાક્ષી બની છે.
શંકરાચાર્યજી દ્વારા આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું કે શાસ્ત્રમાં વૃક્ષ અને પર્યાવરણની સુરક્ષા માટે ઋષિમુનિઓ દ્વારા અગાઉથી જ કહેવામાં આવ્યું છે,વૃક્ષનું જતન અને પર્યાવરણની સુરક્ષા કરવીએ પણ આપણો ધર્મ છે.
કનેક્ટ ગુજરાત સાથેની વાતચીત દરમિયાન દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યું હતું કે યુવાપેઢીમાં સૌથી મોટી આવશ્યકતા એ છે કે તેમની અંદર ધર્મનું સિંચન કેવી રીતે કરવું,આ પડકાર જનક છે પરંતુ ભારત સરકાર દ્વારા પણ શાળાઓના પાઠ્ય પુસ્તકમાં જ ધર્મનું શિક્ષણ સામેલ કરવું જોઈએ અને બાળકોને બાળપણથી જ તે અંગેનું જ્ઞાન મળવું જોઈએ જે આવશ્યક છે.વધુમાં સનાતન ધર્મના મૂળ ગ્રંથ અને શાસ્ત્રોનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ.
મહાકુંભમાં માત્ર પવિત્ર ગંગા સ્નાન જ નહીં પરંતુ સાધુસંતોના દર્શનનો લ્હાવો પણ શ્રદ્ધાળુઓ લઇ રહ્યા છે,તીર્થરાજ પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર પંચદેવ ગો પ્રતિષ્ઠા મહાયજ્ઞનું જ્યોતિષપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.જે અવસરની કનેક્ટ ગુજરાતની ટીમ સાક્ષી બની હતી
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના પ્રત્યક્ષ દર્શનનો લ્હાવો લઈને શ્રદ્ધાળુઓએ અલૌકિક આનંદની લાગણી અનુભવી હતી.આ ક્ષણે શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે જે સ્વામીજીને માત્ર ટીવી કે મોબાઈલમાં જોયા હતા તેમના સાક્ષાત દર્શન કરીને જાણે ભગવાન મળ્યા હોવાની અનુભૂતિ કરી હોવાની લાગણી વ્યક્ત કરીને ભાવુક થઈ ગયા હતા.