આજે જન્માષ્ટમીના પાવન અવસરે વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન માટે દેશભરમાંથી ભાવિકોનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. શ્રાવણ માસનો સોમવાર અને તેમાંય ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ.. આ સુભગ સમન્વય સાધતા દિવસે ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શ્રાવણ માસએ ભક્તિ અને શક્તિની ઉપાસનાનો માસ છે. શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે, સાક્ષાત શિવજી આ પવિત્ર માસમાં કૈલાશ પર્વત પરથી ધરતી પર આવે છે. આ મહિના દરમિયાન ભોળાનાથની ભાવપૂર્વક ભક્તિ કરવાથી સાત જન્મોનાં પાપોનો નાશ થાય છે. આધિ,વ્યાધિ અને ઉપાધિમાંથી મહાદેવ તેના ભક્તોને ઉગારે છે. આજે શ્રાવણ નો સોમવારની સાથે જન્માષ્ટમી પણ હોવાથી કૃષ્ણ અને શિવ ભક્તોનો ઉત્સાહ બેવડાયો હતો.ભોળાનાથ સોમનાથ દાદાના દર્શન માટે ભકતોએ કતાર લગાવી હતી.