Connect Gujarat
ગુજરાત

ફલેશબેક :સારી- નરસી ઘટનાઓનું સાક્ષી રહયું છે વિદાય લઇ રહેલું 2019નું વર્ષ

ફલેશબેક :સારી- નરસી ઘટનાઓનું સાક્ષી રહયું છે વિદાય લઇ રહેલું 2019નું વર્ષ
X

નાતાલ પર્વની ઉજવણી બાદ હવે નવા વર્ષ 2020ને આવકારવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહયો છે. 2019નું વર્ષ અનેક સારી- નરસી યાદો સાથે વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે વર્ષ દરમિયાન બનેલી કેટલીય ઘટનાઓની સ્મૃતિ હજી માનસપટ પર તાજી છે. આજે અમે તમને બતાવી રહયાં છે વિદાય લઇ રહેલાં વર્ષની કેટલીક ઘટનાઓ

31મી ડીસેમ્બરની મધ્યરાત્રિના 12 વાગ્યે 2019ની વિદાયની સાથે 2020ના વધામણા લેવામાં આવશે. 2019નું વર્ષ કેટલાક માટે યાદગાર રહયું હશે તો કેટલાક માટે ભુલી જવા યોગ્ય રહયું હશે. 2020નું નુતન વર્ષ આપ સૌના માટે ફળદાયી નીવડે તેવી કનેકટ ગુજરાત મિડીયા હાઉસ તરીકે શુભેચ્છા પાઠવી રહયું છે. હવે ભુતકાળમાં ડોકીયું કરી વર્ષ દરમિયાન બનેલી કેટલીક મહત્વની ઘટનાઓ પર નજર નાંખીએ. જુલાઇ મહિનાના અંતિમ દિવસોમાં સંસ્કારી નગરી વડોદરામાં વરસતા વરસાદની વચ્ચે જનજીવન રાબેતા મુજબ ધબકતું હતું પણ કોઇને ખ્યાલ ન હતો કે વરસાદ ટુંક સમયમાં જ વિનાશ વેરી દેશે. થોડા કલાકોમાં વરસેલાં 22 ઇંચથી વધારે વરસાદે શહેરને જળબંબાકાર કરી નાંખ્યું હતું. વિનાશકારી વરસાદની આ ઘટનાને વડોદરાવાસીઓ હજી ભુલી શકયાં નથી.

કાપડ નગરી સુરતની મહત્વની ઘટના પર નજર નાંખવામાં આવે તો સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા એપાર્ટમેન્ટમાં વિકરાળ આગ લાગી હતી. એપાર્ટમેન્ટમાં ચાલી રહેલાં ટયુશન કલાસીસના વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે એપાર્ટમેન્ટમાંથી નીચે કુદી ગયાં હતાં જેમાં 22થી વધારે વિદ્યાર્થીઓના મોત થયાં હતાં. આ ઘટનાના વાઇરલ થયેલાં વિડીયો હજી લોકો ભુલી શકતાં નથી. પોતાના વ્હાલસોયા બાળકો ગુમાવનારા પરિવારો હજી ન્યાય ઝંખી રહયાં છે.

ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાની મહેર રહી હતી અને સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આ વર્ષે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 138.68 મીટરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતાં ભરૂચમાં પુર આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેવડીયા ખાતે આવી નર્મદાના નીરના વધામણા કર્યા હતાં.

રાજકારણમાં બનેલી મહત્વની ઘટના પર નજર નાંખવામાં આવે તો આ વર્ષે દેશમાં નવી સરકારની રચના થઇ હતી. એપ્રિલ અને મે મહિનામાં યોજાયેલી ચુંટણીમાં નરેન્દ્ર મોદી બહુમતી સાથે ફરીથી દેશના વડાપ્રધાન બન્યાં છે. અમિત શાહ દેશના ગૃહમંત્રી બનતાં દિલ્હીમાં ગુજરાતીઓનો દબદબો જોવા મળી રહયો છે.

ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો વર્ષ દરમિયાન અનેક ઘટનાઓ બની હતી પણ એક ઘટનાએ ભરૂચવાસીઓને વર્ષો જુની યાદ અપાવી હતી. ભરૂચના લુવારા પાટીયા પાસે લકઝરી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાની સાથે જ બસમાં ભભૂકી ઉઠેલી ક આગમાં ત્રણ મુસાફરોના કરૂણ મોત નીપજ્યા હતા. આવી જ ઘટના 2002માં બની હતી જેમાં વોલ્વો બસમાં લાગેલી આગમાં 22 મુસાફરો જીવતા ભડથું થઇ ગયાં હતાં.

Next Story
Share it