જામનગરઃ લાલપુર તાલુકા ખાતે જિલ્લા કક્ષાનો ૬૯ મો વન મહોત્સવ યોજાયો

New Update
જામનગરઃ  લાલપુર તાલુકા ખાતે જિલ્લા કક્ષાનો ૬૯ મો વન મહોત્સવ યોજાયો

રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો

જામનગરમાં જિલ્લા કક્ષાનો ૬૯ મો વન મહોત્સવ લાલપુર તાલુકા ખાતે જિલ્લાના પ્રભારી અને રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને સાંસદ પૂનમબેન માડમની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો. આપણી રાષ્ટ્રીય વનનિતી મુજબ કુલ ભૌગોલીક વિસ્તારનો ૩૩ ટકા વિસ્તાર વૃક્ષ આચ્છાદીત હોવો જોઇએ. તો પર્યાવરણની સમતુલા જાળવી શકાય, પરંતુ વર્તમાનમાં ગુજરાતમાં અંદાજે ૧૧.૭૪ ટકા જેટલો વિસ્તાર આવેલ છે. જેથી ગુજરાત વન વિભાગ દ્વારા વનો સિવાયની અન્ય ખાનગી જમીનોમાં વૃક્ષોનું વાવેતર તેમજ ઉછેર થાય અને રાષ્ટ્રીય વનનિતી મુજબ જંગલનો વધારો થાય તે હેતુથી સામાજીક વનીકરણ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

આ પ્રસંગે વનીકરણનું મહત્વ સમજાવતા મંત્રીએ જણાવ્યુ હતુ કે, જંગલો આપણને લાકડુ, ઘાસચારો, બળતણ તેમજ અન્ય ગૌણ પેદાશો પુરી પાડે છે તેમજ જમીનનું ધોવાણ અટકાવે છે. પુરને નિયંત્રિત કરે છે. નદીઓ તેમજ આજુબાજુના વિસ્તારોમાં જમીનમાં પાણી જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. આપણા દેશમાં મોટા ભાગના લોકોની આર્થિક સ્થિતિ હજુ પણ જંગલ આધારિત છે. આર્થિક અને ઔદ્યોગિક વિકાસના નામે મનુષ્ય દ્વારા જંગલોને જે નુકશાન થયેલ છે તેના દુ:ખદ પરિણામો જેવા કે મોસમની અનિયમિતતા, પર્યાવરણને નુકશાન, વનો પર આધારિત લોકો માટી પાણી, બલતણ, ઘાસચાર વગેરેની અછત, જમીનના ધોવાણ વગેરેના નુકશાનથી બચવા ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા રાજ્યમાં સામાજિક વનીકરણની યોજનાઓ અમલમાં મુકી છે.

આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે પોતાના બાળપણના સંસ્મરણો વાગોળતા હર્ષભેર જણાવ્યુ હતુ કે, મે બાળપણમાં એક આંબાની ગોટલી વાવેલી તે આજે પણ મારા ઘરે મોટો ઘટાદાર આંબાનું વૃક્ષ ઉભુ છે અને તેના ફળો અને છાંયડાનો લાભ આજેપણ મળે છે. આમ આપણે ઉછેર કરેલ વૃક્ષ જોઇને જ આપણે આનંદ વિભોર થતા હોઇએ છીએ ત્યારે દરેક વ્યક્તિને ઓછામાં ઓછુ એક વૃક્ષ વાવી તેનુ જતન કરવા સાંસદેએ અપીલ કરી હતી. આ પ્રસંગે વૃક્ષારોપણ તેમજ તેના ઉછેરમાં વિશેષ કામગીરી કરેલ નાગરીકોને ઇનામરૂપે પ્રમાણપત્ર તેમજ પુરસ્કાર ચેકનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુરૂભા જાડેજા, પૂર્વ પ્રમુખ ડો. વસોયા, જિલ્લા પંચાયત સદસ્ય ગોવુભા, લાલપુર સરપંચ સમીર ભેસદડીયા,તાલુકા ભાજપ અગ્રણી ભરતભાઇ અકબરી,જિલ્લા વિકાસ અધિકારી પારીક, પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, નિવાસી અધિક કલેકટર કેલૈયા, લાલપુર પ્રાંત અધિકારીશ્રી ભોરણીયા, નાયબ વન સંરક્ષકશ્રી ડી.એમ. જોષીતેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories