Connect Gujarat
Featured

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા અને પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નિધન

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા અને પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નિધન
X

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલની તબિયત એકાએક લથડતાં 10 દિવસ પહેલાં જ તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયત સુધરી જતાં તેમને ડિસ્ચાર્જ કર્યા હતા. પરંતુ આજે એકાએક તબિયત વધુ લથડતાં તેમનું નિધન થયું હતું. કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયા બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલીફ ઊભી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આજે સાંજે પાંચ કલાકે ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહ ખાતે અંતિમવિધિ કરાશે. કેબિનેટ બેઠકમાં શ્રદ્ધાંજલિ આપ્યા બાદ અંતિમ સંસ્કાર કરાશે.

સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર અક્ષયે જણાવ્યું હતું કે કેશુભાઈ પટેલનું નિધન 11:55 કલાકે થયું છે. તેમને ડાયાબિટીસ, હાઈ બીપી જેવી સમસ્યાઓ હતી. સવારે તેમને હોસ્પિટલે લવાયા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બાપાની 30 મિનિટ સુધી સારવાર ચાલી, પરંતુ તેઓ રિકવર ન થઈ શક્યા સ્વ કેશુભાઈ પટેલના નિધનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી પ્રચાર ટૂંકાવી સીધા જ ગાંધીનગર રવાના થયા હતા, જેઓ ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસસ્થાને જઈ શ્રદ્ધાંજલી પાઠવી હતી .સંપૂર્ણ રાજકીય સન્માન સાથે બાપાના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો હતો.

કેશુભાઈ વિસાવદરમાં જન્મ્યા હતા, પરંતુ તેમની કર્મભૂમિ રાજકોટ રહી હતી. પરિવારમા ખેતીની આવક બહુ જ નબળી હતી. તેથી તેઓએ મોરબીમાં લોટ દળવાની ઘંટી શરૂ કરી હતી. મોરબીમાં મચ્છુ ડેમ બંધાતો હતો, ત્યારે લોટ દળવાની ઘંટી નાંખીને તેઓએ તેમાંથી થોડી આવક રળી લીધી હતી. તેના બાદ તેઓ આરએસએસમાં જોડાયા હતા. સંદના સ્વંયસેવક તરીકે ગામે ગામે સાઈકલ લઈને ફરતા હતા. પ્રચાર કરવામાં તેઓએ કોઈ કચાશ બાકી ન રાખી. પરંતુ 1960ના દાયકામાં બનેલી એક ઘટના તેમને રાજકીય સ્તરે અમદાવાદ સુધી લઈ જવામાં મોટુ કારણ બની હતી. રાજકોટમાં એક સમયે લાલિયો નામના ગુંડાની ધાક હતી. આ ગુંડો લોકોને પરેશાન કરતો હતો અને તેમની પાસેથી હપ્તો ઉઘરાવતો હતો. ત્યારે કેશુભાઈએ ભર બજારમા તેને માર માર્યો હતો. ત્યાંથી તેમનો નેતા તરીકેનો સિક્કો પડી ગયો હતો. કેશુબાપાએ જાહેરમા તેની ધોલાઈ કરી હતી.

ભાજપના વરિષ્ઠ આગેવાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય કેશુભાઈ પટેલના નિધનનો શોક વ્યક્ત કરતાં ભાજપે પેટાચૂંટણી સંબંધિત આજની તમામ જાહેરસભાઓ તેમજ પ્રચારકાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહેલે પણ કેશુભાઈ પટેલને ખેડૂતોના મસીહા ગણાવ્યા તો પી એમ મોદી સહિતના વરિષ્ઠ રાજકીય નેતાઓએ શ્રધ્ન્જલિ પાઠવી હતી અને કેશુભાઈ પટેલના નિધન અંગે દુઃખ વ્યકત કર્યું માત્ર ભાજપ નહિ પણ દરેક રાજકીય પાર્ટીના આગેવાનોએ કેશુભાઈ પટેલના નિધન પર દુઃખ વ્યકત કર્યું છે.

Next Story