Connect Gujarat
Featured

ગાંધીનગર : ભાજપના પ્રદેશ પ્રમુખના એક નિર્ણયથી સિનિયર નેતાઓ બેસી શકે છે ઘરે

ગાંધીનગર : ભાજપના પ્રદેશ પ્રમુખના એક નિર્ણયથી સિનિયર નેતાઓ બેસી શકે છે ઘરે
X

સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ લડવા માંગતા ભાજપના અનેક સિનિયર નેતાઓના પત્તા કપાય શકે છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ત્રણ ટર્મ કે ત્રણ ટર્મથી વધુ જીતેલા સિનિયર કોર્પોરેટરોને ટિકીટ નહીં આપવાની જાહેરાત કરી દીધી છે. જો આ નિયમ મુજબ ટિકિટ કપાય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 16 સિનિયર કોર્પોરેટરને ઘરે બેસવાનો વારો આવી શકે તેમ છે.

ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં મહત્તમ બેઠકો જીતવાના પ્રયાસમાં લાગ્યાં છે અને તેના માટે કોઇ કસર છોડી રહયાં નથી. તેમણે વયસ્કોના બદલે નવા ચેહેરાઓને રાજનિતિમાં આવવાની તક મળે તે માટે નિયમ બનાવ્યો છે. ભાજપની આ જાહેરાતથી શહેરમાં ત્રણ ટર્મવાળા 6 કોર્પોરેટર, ચાર ટર્મવાળા 7 કોર્પોરેટર અને પાંચ ટર્મવાળા 3 કોર્પોરેટરો છે. જેમની ટિકીટ કપાય તેવું લગભગ નક્કી થઈ ગયું છે.

અમદાવાદ શહેરમાં સતત પાંચ ટર્મથી ચૂંટાતા કોર્પોરેટરોમાં જોઈએ તો શહેરના કોટ વિસ્તારની જૂની કાલુપુર અને નવા ખાડિયા વોર્ડથી કૃષ્ણવદન બહ્મભટ્ટ (કોકા) ચૂંટાય છે. તેમની પેનલમાં જ મયૂર દવે પાંચ ટર્મથી ચૂંટાય છે. વાસણા વોર્ડના અમિત શાહ પણ સતત 25 વર્ષથી ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાઈ રહ્યાં છે.પણ આ વખતે કદાચ આ કોર્પોરેટરોને ટિકિટ નહિ મળે

શહેરના નારણપુરા વોર્ડના ગૌતમ શાહ, સરદારનગર વોર્ડના બિપીન સિક્કા, સૈજપુર-બોઘા વોર્ડના ડો. ક્રિષ્ના ઠાકર, દિનેશ મકવાણા, અસારવા વોર્ડના બિપીન પટેલ, શાહીબાગ વોર્ડના પ્રવિણ પટેલ તેમજ વસ્ત્રાલ વોર્ડના મધુબહેન પટેલ સતત ચાર ટર્મથી ચૂંટાઈ રહ્યાં છે. આ સિવાય નવા વાડજ વોર્ડથી આર.ડી.દેસાઈ, નરોડા વોર્ડથી વલ્લભભાઈ પટેલ, ખાડિયા વોર્ડથી ભાવનાબહેન નાયક, પાલડીથી બિજલ બહેન પટેલ, મણિનગર વોર્ડથી નિશાબહેન જ્હા, ઈન્દ્રપુરી વોર્ડથી રમેશ દેસાઈ સતત ત્રણ ટર્મથી કોર્પોરેટરો છે.

જો નવો નિયમ લાગૂ પડે તો 16 જેટલા સિનિયર કોર્પોરેટકોની ટિકીટ કપાય તેમ છે આ નિયમ સામે હજી વિરોધનો સુર ઉઠ્યો નથી પણ અંદર પાર્ટીમાં ગણગણાટ શરુ થયો છે ….પાર્ટી આવનાર 2 દિવસમાં ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી સંભાવના છે અને ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ વિરોધ થાય તેવી શક્યતા છે પણ સૂત્રોનું કેહવું છે કે પાર્ટી પોતાના નિયમ પર મક્કમ છે અને આ વખતે નવા ચેહરાઓ અને યુવાઓને પ્રથમ તક આપવામાં આવશે.

Next Story