GNFCના રહિયાદ સ્થિત TDI પ્લાન્ટ સામે લોકોનું આંદોલન , સાંસદે આપી હૈયા ધારણા

New Update
GNFCના  રહિયાદ સ્થિત TDI પ્લાન્ટ સામે લોકોનું આંદોલન , સાંસદે આપી હૈયા ધારણા

વાગરાના રહીયાદ ગામના લોકો અને જીએનએફસી કંપની વચ્ચેનો મામલો શાંત પડવાને બદલે દિનપ્રતિદિન વધુ વકરી રહ્યો છે. ગેસ લિકેજની ઘટના બાદથી વિવિધ માંગણીઓ સાથે ગ્રામજનો GNFC કંપનીના ગેટ પર બેસી ગયા છે. દરમિયાન ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ આંદોલન કારીઓની મુલાકાત લીધી હતી. તેઓએ ગ્રામજનોને સમસ્યાનો સુખદ નિકાલ લાવવા હૈયા ધારણા આપી હતી. લોકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, સરકાર દ્ધારા એમ માની લેવામાં આવ્યુ છે કે ઉદ્યોગો વધુ સ્થપાય તો જ દેશનો વિકાસ થશે. જેના દુરોગામી પરિણામો પ્રજાએ પોતાના જીવના જોખમે ભોગવવાનો વારો આવ્યો છે.

સ્થાનિક લોકોનો એવો પણ આક્ષેપ છે કે, પ્રજાના સ્વાસ્થ્યને ઉદ્યોગો દ્ધારા ઓકાતા ઝેરી પ્રદુષણને હવાલે કરી દેવાયું હોવાનું દહેજ પંથકના લોકો અનુભવી રહ્યા છે. છાશવારે કંપનીઓમાં થતા અકસ્માતોએ સ્થાનિકોનું જીવન દોહ્યલુ બનાવી દીધુ છે. તો બીજી તરફ સરકારી તંત્ર કોઈજ કડક કાર્યવાહી ન કરી કંપનીઓને છાવરતી હોવાની લોક બુમો ઉગ્ર બનવા પામી છે. ગત સોમવારની રાત્રે જીએનએફસી કંપનીમાં ગેસ ગળરની ઘટના બની હતી. જેને કારણે રહીયાદનું આખેઆખું ગામ ભાગમભાગ વચ્ચે જોત જોતામાં ખાલી-ખમ થઈ ગયું હતું. જેને પગલે ગામ લોકોમાં કંપની મેનેજમેન્ટ વિરુદ્ધ ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો. આ બનાવની ગંભીરતા જોતા ગામના લોકો વિવિધ માંગણીઓને લઇ કંપનીના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર મોટી સંખ્યામાં ધરણા પર બેસી ગયા હતા. તેમણે ગેસ ગળતર સામે ગામને સંપૂર્ણ પૂર્વ સુરક્ષા કવચ આપવામાં આવે, લેન્ડલૂઝર્સની બદલી રહેઠાણથી 50 કી.મીના વિસ્તારમાં જ કરવામાં આવે તેમજ નવી ભરતી એક મહિનામાં કરવામાં આવે. તેવી ત્રણ માંગણીઓ કંપની સમક્ષ મુકવામાં આવી હતી. કંપની લેખિતમાં આ ત્રણેય માંગોનો સ્વીકાર કરે તો જ કંપનીના ગેટ પરથી ગ્રામજનો ઉઠશે તેવી ચીમકી આપી હતી.

રહિયાદના અગ્રણી ફતેસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે, ગેસ લીકેજના બનાવને પગલે માજી કેન્દ્રીય મંત્રી અને ભરૂચના સાંસદ મનસુખભાઈએ અમારી મુલાકાત લીધી હતી. ગામલોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા હૈયાધરપત આપી હતી. જો કોઈ ઉકેલ ન આવે તો હું તમારી સાથે છું. કલેકટરની મધ્યસ્થીમાં જીએનએફસીના અધિકારીઓ અને લેન્ડલૂઝર્સ વચ્ચે મિટિંગ કરવામાં આવશે તેવું જણાવાયું છે.

Latest Stories