Connect Gujarat
ગુજરાત

GPSSB ની 9769 જગ્યાઓ માટે ભરાયા અધધધ 15 લાખ થી વધુ ઓનલાઇન ફોર્મ

GPSSB ની  9769 જગ્યાઓ માટે ભરાયા અધધધ 15 લાખ થી વધુ ઓનલાઇન ફોર્મ
X

એક તરફ જયારે ગુજરાત ઔધોગિક ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રોમાં ઉંચાઈઓ સર કરી રહ્યુ છે અને વિકાસની સાથે સાથે રોજગારીની ઘણી નવી તકો સર્જવાની વાતો થઇ રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતના યુવાઓમાં સરકારી નોકરીઓ માટે લાગેલી હોડ તેમજ બેકારીનું એક નવુ ચિત્ર પ્રકાશમાં આવ્યુ છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા હાલમાં જ વિવિધ સંવર્ગની 9769 જગ્યાઓ માટેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી જેને પગલે ગુજરાતભરમાંથી લગભગ 15 લાખ થી વધુ અરજીઓ મળી હોવાનું જાણવા મળ્યુ છે.

GPSSB દ્વારા તલાટી કમ મંત્રી , જુનિયર ક્લાર્ક, ગ્રામ સેવક,મહિલા હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર માટેની અરજીઓ 24 નવેમ્બર 2016 થી લઈને 7 ડિસેમ્બર 2016 સુધીના સમયગાળામાં મંગાવવામાં આવી હતી જેમાં સૌથી વધુ અરજીઓ તલાટી તેમજ જુનિયર ક્લાર્ક માટેની હતી જયારે અન્ય જગ્યાઓ માટે ઓછી અરજીઓ મળી હતી.

રૂ 7500 ફિક્સ પગાર અને અન્ય ભથ્થા મળીને કુલ રૂ 10000 ના પગાર માટે યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે વળી છેલ્લા દિવસોમાં તો સર્વર ડાઉન થઇ જતા ઘણા લોકો અરજી કરી શક્યા ન હતા. મહેસુલી તલાટી પછી પંચાયત વિભાગના તલાટીની જગ્યા માટે ઉમેદવારોએ વેબસાઈટ છલકાવી દીધી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર તલાટીની 2520 જગ્યાઓ માટે 8 લાખથી વધુ, જુનિયર કલાર્કની 1109 જગ્યા માટે 6 લાખ જેટલી, ગ્રામસેવકની 2140 જગ્યા માટે 33000 જયારે મહિલા હેલ્થ વર્કર ની 2400 જગ્યા માટે 13772 જેટલી અરજીઓ કરવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યુ હતુ કે જિલ્લા અનુસાર ફોર્મ ભરાયા હોવાથી ઘણા લોકોએ એક કરતા વધુ જિલ્લામાં પણ અરજીઓ કરી હોવાથી અરજીઓની સંખ્યા વધી હોવાની શક્યતા છે પરંતુ એક કરતા વધુ જિલ્લામાં ફોર્મ ભરનાર ઉમેદવાર પરીક્ષા તો માત્ર એક જ જિલ્લામાં આપી શકશે.

ગુજરાતમાં 9769 જગ્યાઓ માટે અધધધ 15 લાખથી વધુની અરજીઓ બેકારીનું તેમજ યુવાઓમાં જોવા મળી રહેલ સરકારી નોકરી તરફનો વધુ જોક સ્પષ્ટ કરે છે. તેમજ તલાટીની ભરતી વખતે જ અરજીઓની સંખ્યા વધી જાય છે જ્યારે અન્ય ભરતીઓ માટે ઉમેદવારોનું આવુ વલણ જોવા નથી મળતુ.

Next Story