રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં આજે તમામ રાજકીય પક્ષો માટે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો ઉપર ભરૂચ, અંકલેશ્વર, ઝઘડીયા, જંબુસર અને વાગરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારોએ રેલી યોજી પ્રાંત કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરાતા જ ભરૂચ જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. વિધાનસભાની ચૂંટણીને લઈને આજે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો માટે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે ભરૂચ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલ તેમજ વાગરા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. કોંગ્રેસના બન્ને ઉમેદવારોએ ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. ત્યારબાદ જનમેદની સાથે રેલી યોજી પ્રાંત કચેરીએ ઉમેદવારી પત્ર ભરવા પહોચ્યા હતા. આ દરમ્યાન ભરૂચ કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલ અને વાગરા કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ સાથે મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો જોડાયા હતા. આ સાથે જ કોંગ્રેસના બન્ને ઉમેદવારોએ ચૂંટણીના જંગમાં જંગી બહુમતી સાથે પોતાની જીતની આશા દર્શાવી હતી.
તો આ તરફ, અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા વિજયસિંહ પટેલને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે આજરોજ ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ પટેલે ભવ્ય રેલી યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ બેઠક પર વિજયસિંહ પટેલના ભાઈ ઈશ્વરસિંહ પટેલ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે બન્ને સગા ભાઈ છે, અને એક જ પરિવારમાં ચૂંટણીનો જંગ જોવા મળી રહ્યો છે. એક તરફ ઈશ્વરસિંહ પટેલે પોતાની જીતનો દાવો કર્યો છે, તો બીજી તરફ વિજયસિંહ પટેલે પણ પોતાની જીત 25 હજાર કરતાં વધુ મતોથી થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.
તો બીજી તરફ, ભરૂચ જિલ્લાની જંબુસર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીએ પણ આજે નામાંકનના અંતિમ દિવસે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. કોંગ્રેસ ઉમેદવાર સંજય સોલંકીએ સમર્થકો સાથે પ્રાંત અધિકારીએ ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું. કોંગ્રેસ પક્ષે સંજય સોલંકીને બીજી વાર ટિકિટ આપી છે, ત્યારે ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ સંજય સોલંકીએ બહુમતી સાથે કોંગ્રેસને જંબુસર બેઠક અપાવી હતી, ત્યારે આ વખતે પણ જંબુસર બેઠક કોંગ્રેસ પક્ષ પાસે આવશે તેવો સંજય સોલંકીએ દાવો કર્યો છે. આ સાથે જ ઝઘડીયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ફતેસિંહ વસાવાએ પણ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ દરમ્યાન ઝઘડીયા પ્રાંત કચેરી ખાતે ઝઘડીયા કોંગ્રેસના ઉમેદવાર ફતેસિંહ વસાવા સાથે મોટી સંખ્યામાં કોંગી આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.