/connect-gujarat/media/post_banners/05d9a21d2aa3eb31f4cdc3d7c5d90a503dcd556936a8a26b04a61cd119273d07.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે વડોદરામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસ પોતાના કાર્યકર્તાઓ સાથે ડિપોઝીટનું પરચુરણ લઇ ઉમેદવારી ફોર્મ ભરવા પહોચ્યા હતા.
વડોદરાની સયાજીગંજ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસે આજે બીજા તબક્કાના મતદાન માટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. સયાજીગંજ વિધાનસભા બેઠક પર ત્રીપાંખીયો જંગ ખેલાય રહ્યો છે. ભાજપે સયાજીગંજ બેઠક પરથી મેયર કેયુર રોકડિયાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસ તરફથી અમી રાવત ચૂંટણી લડી રહ્યા છે. એટલે કે સ્વેજલ વ્યાસનો મુકાબલો 2 દિગ્ગજ નેતા સામે થઇ રહ્યો છે. સ્વેજલ વ્યાસે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, મારી સામે ઉભેલા અન્ય 2 ઉમેદવારે મળી અત્યાર સુધી શહેરને લૂંટ્યુ છે, અને મે એ બન્નેને મજબૂતાઇથી લડત આપી છે. કોરોના કાળમાં જ્યારે એ લોકો ગાયબ હતા, ત્યારે અમે હાજર હતા. જ્યાં જ્યાં લોકોને અમારી જરૂર હતી, ત્યાં મજબૂતાઇથી અમે લડ્યા છીએ, ત્યારે પાર્ટીએ આપેલી જવાબદારી અને લોકોના ભરોસા સાથે મજબૂતાઇથી લડવાની આપના ઉમેદવારી ખાતરી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આપના ઉમેદવાર સ્વેજલ વ્યાસે લોકો પાસેથી 1 રૂપિયાનો સિક્કો માંગ્યો હતો. 10 હજાર જેટલા લોકોએ 1 રૂપિયાનો સિક્કો આપ્યો છે, અને આ જ રકમ સાથે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા પહોચ્યા હતા. જોકે, એક સમયે વહીવટી તંત્રના કર્મચારીઓને સિક્કા ગણતા કર્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.