સમગ્ર દેશમાં આજે અનોખા ઉત્સાહ અને ઉમળકા વચ્ચે 78માં સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ રહી છે, ત્યારે રાજ્યકક્ષાનો પર્વ ખેડા જિલ્લાના વડામથક નડિયાદના આંગણે ઉજવવામાં આવ્યો હતો.
ખેડા જિલ્લાના વડામથક નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલ SRP કેમ્પ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યકક્ષાના ધ્વજવંદનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ હાજર રહી રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો હતો, જ્યાં 78માં સ્વાતંત્ર્ય પર્વની આન.. બાન..શાન.. સાથે ઉજવણી કરવામાં આવી હતી. 'એક ભારત શ્રેષ્ઠ ભારત' સૂર વચ્ચે SRP ગ્રાઉન્ડ રાષ્ટ્ર ભક્તિના રંગમાં રંગાયુ હતું. 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પોલીસ દ્વારા રાયફલ ડ્રીલ રજૂ કરવામાં આવી હતી. આ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમ્યાન હેલિકોપ્ટરથી પુષ્પાવર્ષા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાષણ આપતા જણાવ્યુ હતું કે, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સૌ નાગરિકો માટે આર્શિવાદ રૂપ બની છે, આ યોજનામાં ગુજરાતમાં 2 કરોડથી વધુ જરૂરિયાતમંદોને આરોગ્ય સેવા મળી રહી છે. તો બીજી તરફ, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં જે વધારાનું પાણી આવ્યું છે, તેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જળાશયો ભરીને યોગ્ય જળ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવતા 43 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે, તેમાંથી 9 લાખ ખેડૂતો 7 લાખથી વધુ એકર જમીન પર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. વધુમાં રાજ્યમાં માર્ગોના વિસ્તુતિકરણ અને મજબુતી કરણ માટે 5 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં નવા ધંધા-રોજગારની તકો વિકસે તે માટે ભવિષ્યલક્ષી આયોજન થકી મુખ્યમંત્રીએ વિકસીત ગુજરાતના નિર્માણનો નિર્ધાર કર્યો હોવાનું જણાવ્યુ હતું.