Connect Gujarat
ગુજરાત

AAP અને BJP વચ્ચે "ઘમાસાણ" : સુરતમાં AAPના કાર્યકરોને માર મરાયો, તો વડોદરા-અમદાવાદમાં ઉગ્ર વિરોધ

સુરત પાલિકા ખાતે વિરોધ દરમ્યાન AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

X

સુરત પાલિકા ખાતે વિરોધ દરમ્યાન AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ દરમ્યાન વિરોધ કરી રહેલા AAPના કોર્પોરેટર સહિતના કાર્યકર્તાઓને પોલીસે ખેંચી ખેંચીને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન આપના પ્રદેશ અધ્યક્ષ ઈટાલીયા સહિતના કાર્યકરોને માર પણ મારવામાં આવ્યો હતો. જોકે, આ બધુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ઈસારે થયું હોવાના આક્ષેપ સાથે સુરત, વડોદરા અને અમદાવાદામાં AAPના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

સુરત શહેર ભાજપ કાર્યાલય પર આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસે રોક્યા હતા. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાને માર મરાયો અને ગોપાલ ઇટાલીયા સાથે પણ ટપલીદાવ થયો હતો. ભાજપ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસની હાજરીમાં ભાજપના કાર્યકરોએ માર માર્યો હતો. આ વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપના કાર્યકરોએ ભારત માતા કી જય અને ખાલિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકરોને પકડે તે પહેલા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાને ભાજપના કાર્યકરોએ માર માર્યો હતો અને કપડાં ફાડી નાખ્યા હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સાથે પણ ભાજપના કાર્યકરોએ ટપલીદાવ કર્યો હતો. પોલીસની હાજરીમાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરોને માર મારવામાં આવતાં આ મુદ્દે વિવાદ સર્જાયો છે.

સુરત ભાજપ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દેખાવો કરવા આવવાના છે, તેવી જાહેરાત બાદ ભાજપ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તો બીજી તરફ ભાજપના કાર્યકરો પણ કાર્યાલયમાં ભેગા થયા હતા. આપેલા સમય કરતાં 1 કલાક પછી આમ આદમી પાર્ટીના કાર્યકરો રેલી સ્વરૂપે આવ્યા હતા. ભાજપ કાર્યાલય બહાર જ મુકેલી પોલીસવાનમાં તેમને બેસાડી દેવામાં આવ્યા હતા. જોકે, આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરોએ પોલીસની પકડમાંથી છૂટીને ભાજપ કાર્યાલય પર જવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ભાજપ કાર્યાલય પર ઉભેલા ભાજપના કાર્યકરો તેમની સામે ધસી આવ્યા હતા. આ દરમ્યાન AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

ગતરોજ ભરૂચમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલના આગમન બાદ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. સી.આર.પાટીલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે, જયારે તેના વળતા જવાબમાં અરવિંદ કેજરીવાલે નિવેદન કર્યું હતું કે, ગુજરાતીઓના પ્રદેશમાં મરાઠી પ્રદેશ અધ્યક્ષ કેવી રીતે હોઈ શકે.? આ વાંક યુદ્ધ વચ્ચે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની મહિલા નગરસેવકની પોલીસે ટીંગા ટોળી કરીને ધરકડ કરતા હવે આમ આદમી પાર્ટીની મહિલા પાંખ સી.આર.પાટીલને નિશાન બનાવી રહી છે. રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી તેમ કહીને આજે વડોદરામાં સયાજીગંજ ખાતે મહિલા કાર્યકરોએ પોલીસની કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે સી.આર.પાટીલે ગુજરાતની મહિલાઓનું અપમાન કરાવ્યું હોવાના આક્ષેપો કર્યા હતા, ત્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલા કાર્યકરોની સયાજીગંજ પોલીસે અટકાયત કરી હતી, જ્યારે પોલીસ સાથે મહિલા કાર્યકરોના ઘર્ષણ થવાના દ્રશ્યો પણ સર્જાયા હતા.

સુરતમાં આપ પાર્ટીના કોર્પોરેટર સાથે પોલીસ ગેર વર્તનને લઇ રાજ્યભરમાં આપ પાર્ટી વિરોધ કરી રહી છે, ત્યારે અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારના શહેર ભાજપ કાર્યાલય ખાતે વિરોધ કરવા જઈ રહેલા આપ પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વિરોધ કરવા અડગ આપના કાર્યકરોને અટકાવવા પ્રથમ પોલીસે તેમને સમજાવાનો પ્રયાસ કર્યો પણ કાર્યકરો આગળ જવા મક્કમ રહેતા પોલીસે એક પછી એક કાર્યકરોની અટકાયત કરતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. આપના પુરુષ કાર્યકરો નહીં પણ મહિલા કાર્યકલારો રસ્તા પર બેસી જતા વધારાની મહિલા પોલીસ ફોર્સ બોલાવી પડી હતી. પોલીસે ટીંગાટોળી કરી 20થી વધુ આપના કાર્યકરોની અટકાયત કરી હતી. જોકે, વિરોધ પ્રદર્શનની જાણ પોલીસને પહેલા થઇ જતાં ભાજપ શહેર કાર્યાલય આસપાસ પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો.

Next Story