-
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલયનો નિર્ણય
-
જનજાતી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરાય
-
સરકારના નિર્ણય વિરુદ્ધ રાજ્યભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન
-
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયા
-
માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાય
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરવાની માંગ સાથે રાજ્યભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા તા. 28 ઓક્ટોબર-2024ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, મેનેજમેન્ટ ક્વોટા હેઠળના જનજાતી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જિનયરીંગ, નર્સિંગ જેવી કૉલેજમાં સ્કૉલરશિપ સહાયથી એડમિશન લઇ લીધા બાદ આ ઠરાવ કરવામાં આવ્યો હોવાથી ખૂબ મોટી સંખ્યામાં જનજાતિ વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે.
સમગ્ર મામલે રાજ્યભરમાં ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું, ત્યારે સુરતમાં પણ ABVPના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટી બહાર એકઠા થયા હતા, જ્યાં "વિદ્યાર્થી વિરોધી સરકાર હટાવો", "શિક્ષણ અમારો અધિકાર છે", "જનજાતી શિષ્યવૃત્તિ પાછી લાવો" જેવા ઉગ્ર સૂત્રોચાર સાથે સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. માત્ર સૂત્રોચાર જ નહીં પણ રસ્તા વચ્ચે બેસીને ચક્કાજામ કરતાં વિદ્યાર્થી સંગઠન અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે એકબાદ એક વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
જોકે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અગાઉ પણ આદિજાતિ વિભાગના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરી જનજાતિ વિસ્તારોમાં વહીવટી તંત્રના માધ્યમથી આવેદન પત્ર આપવામાં આવ્યા હતા. બોહળા વિદ્યાર્થી સમુદાયને ધ્યાને રાખી, રાજ્યમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થકી ABVP સ્પષ્ટ માંગ કરે છે કે, શિષ્યવૃતિ પાછો ખેંચવાનો પરિપત્ર શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓ પર લાગુ કરવામાં આવે નહીં તથા વેકેન્ટ/ગવર્નમેન્ટ ક્વોટા સીટોને મેનેજમેન્ટ ક્વોટામાં રૂપાંતરિત કરવાના નિર્ણયને રદ્દ કરવામાં આવે. જેને લઈને ભરૂચ શહેરના કોલેજ રોડ પર અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન દ્વારા સરકારના શિષ્યવૃતિ બંધ કરતા પરિપત્રોની હોળી કરી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજનો પ્રશ્ન પાછલા ઘણા વર્ષોથી પડતર છે, ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષે પણ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રાધ્યાપકના હોવાના કારણે કાઉન્સિલ દ્વારા આ તમામ કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવી છે. ગત વર્ષે પણ ABVP દ્વારા રાજ્યના તમામ જિલ્લા કેન્દ્રો પર લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાના મુદ્દા સાથે આવેદન પત્ર આપવામાં આવ્યા હતા, ત્યારે આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ બંધ કરવામાં આવતા જુનાગઢ શહેરના મોતીબાગ સર્કલ ખાતે ABVPના કાર્યકરોએ રોકો આંદોલન યોજી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ ગુજરાત સરકારના પરિપત્રની હોળી કરી ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માંગ કરી હતી. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ નિર્ણય ન આવતા વિરોધ કરી રહેલા ABVPના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કાયદા વિદ્યાશાખામાં અભ્યાસ ઇચ્છુક વિદ્યાર્થીઓને રાહતદરે સુલભ શિક્ષણ મળી રહે તે માટે તમામ ગ્રાન્ટેડ લો કોલેજોની સ્થિતિમાં સુધારો અતિઆવશ્યક જણાઈ રહ્યો છે. વિદ્યાર્થી હિતમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉગ્ર આંદોલન થકી સ્પષ્ટ માંગ કરે છે કે, સરકાર દ્વાર રાજ્યની ગ્રાન્ટેડ લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણો પ્રમાણે પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે, અને આ તમામ કોલેજોની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તથા ત્વરિતપણે પ્રશ્નના નિરાકરણ સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી ABVP દ્વારા માંગ કરવામાં આવી છે. તાપી ખાતે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા તાપી જિલ્લા સેવાસદન બહાર બેસીને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વારંવાર આવેદન પત્રો આપવા છતાં આજદિન સુધી કોઈ નિર્ણય નહીં આવતા ABVP દ્વારા વિરોધનો સૂર ઉઠ્યો છે. જો, આગમી દિવસોમાં ABVPની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.