વલસાડ જિલ્લાના વાપી ખાતેના GST ભવનમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા સફળ ટ્રેપ ગોઠવવામાં આવી હતી.જેમાં CGSTનો ઇન્સ્પેકટર રૂપિયા 40 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.
વલસાડ જિલ્લાના વાપી ખાતે સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એક્સાઇઝની કચેરી, બીજા માળે આવેલ રૂમ નંબર.216 આરોપીની ઓફિસમાં ACB દ્વારા ટ્રેપ ગોઠવામાં આવી હતી,ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢીના ફરિયાદીએ CGST તેમજ SGST પેટે નાણાં ભરેલા હતા,જોકે તેમ છતાં લાંચિયા ઇન્સ્પેકટર યશવંત રાજેન્દ્ર ગેહલોતે તેઓને નોટિસ ફટકારીને રૂપિયા ભરવા માટે દબાણ કર્યું હતું, અને નોટિસને રફેદફે કરવા માટે રૂપિયા 40 હજારની માંગણી કરી હતી.પરંતુ ફરિયાદીએ આ અંગે ACB શાખાનો સંપર્ક કરીને ફરિયાદ દર્જ કરાવી હતી.
જે ફરિયાદને આધારે ACB એ છટકું ગોઠવતા લાંચિયો અધિકારી યશવંત ગેહલોત રૂપિયા 40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.ACBની સફળ ટ્રેપથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો,જોકે રાજ્યભરમાં તાજેતરમાં વિવિધ વિભાગોમાં લાંચિયા અધિકારીઓ સામે ACBએ તવાઈ બોલાવી હતી,જોકે તેમ છતાં લાંચ રૂશ્વત લેતા અધિકારીઓની ધરપકડની ઘટના સરકારી તંત્ર માટે શરમજનક સાબિત થઇ રહી છે.