સિંહોમાં ભેદી રોગચાળાથી 2 સિંહબાળના મોત
1 સિંહણ સાથે 9 જેટલા સિંહબાળનું રેસક્યુ કરાયું
રેસક્યુ ઓપરેશન દરમ્યાન 2 સિંહબાળના મોત
સિંહણ સહિત સિંહબાળના સ્કેનિંગની કામગીરી શરૂ
સિંહોમાં કોઈ બીમારી છે કે કેમ, તે અંગે તપાસ શરૂ
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર નજીક સિમ વિસ્તારમાં સિંહબાળમાં ભેદી રોગચાળાની આશંકાને લઈ વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં 9 સિંહબાળ અને 1 સિંહણના સમગ્ર સમૂહને પાંજરે પુરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર નજીક સિંહબાળ અતિ નબળી હાલતમાં હોવાનું વનવિભાગને જાણવા મળ્યું હતું. જાફરાબાદ રેન્જ વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને સ્કેનિંગ કરતાં સિંહબાળ ગ્રુપની હાલત અતિ નાજુક જણાતાં તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં 9 સિંહબાળને પાંજરે પૂરી દીધા હતા. 1 સિંહબાળ એક સાથે રહેતા હતા. સિંહના આખાય સમૂહને પાંજરે પુરી પશુ ચિકિત્સક પાસે તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા, જ્યાં 2 સિંહબાળના રેસ્ક્યૂ ઓપરેશન કર્યા બાદ શંકાસ્પદ રીતે મોત થયા હતા. વનવિભાગની ટીમ દ્વારા સિંહબાળના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે, સેમ્પલ બાદ કારણ બહાર આવી શકે છે.
સમગ્ર ઘટના અંગે પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના DCF ધનંજય સાધુએ જણાવ્યુ હતું કે, 2 સિંહબાળના શંકાસ્પદ મોત બાદ અન્ય સિંહોના પણ સ્કેનિંગ કરવામાં આવ્યા છે, જ્યારે પકડાયેલા સિંહબાળની તપાસ કરી ફરી મુક્ત કરવામાં આવશે. જાફરાબાદ રેન્જમાં રેવન્યુ સહિત વિસ્તારમાં અન્ય સિંહોમાં કોઈ બીમારી છે કે કેમ, તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.