/connect-gujarat/media/post_banners/ab8b9c19921ccd22a1338cbdd7f0234b7ae999474769615ddc5b86e69b791f5d.jpg)
રાજયની ભાજપ સરકારની શિક્ષણનિતિના વિરોધમાં કોંગ્રેસ રાજયવ્યાપી કાર્યક્રમો કરી રહી છે. અમરેલીના ચિતલ રોડ પર વિરોધ પ્રદર્શન કરી રહેલાં કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી.
રાજયની ભાજપ સરકાર સુશાસનના પાંચ વર્ષની ઉજવણી કરી રહી છે તો કોંગ્રેસે પણ વિરોધમાં કાર્યક્રમો આપ્યાં છે. ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. આ વર્ષે કોંગ્રેસની ટકકર ભાજપની સાથે આમ આદમી પાર્ટીની સામે પણ રહેશે. કોંગ્રેસ પણ ધીમે ધીમે આળસ મરડી રહી છે. ભાજપ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાંચ વર્ષના શાસનની કામગીરીને લઇ લોકોની વચ્ચે જઇ રહી છે તો કોંગ્રેસ રાજય સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવાના પ્રયાસમાં લાગી છે.
કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે, રાજય સરકારની ખાનગીકરણની નિતિના કારણે રાજયમાં 6 હજાર જેટલી પ્રા. શાળાઓ બંધ થઇ ગઇ છે. ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવિષ્ટ કરવાના સરકારના નિર્ણય સામે વિરોધ થઇ રહયો છે પણ આ સરકાર કોઇનું સાંભળતી નથી. દરેક જિલ્લા તથા તાલુકા મથકોએ કોંગ્રેસના કાર્યક્રમો યોજાઇ રહયાં છે. અમરેલીમાં પણ ચિતલ રોડ પર કોંગ્રેસના કાર્યકરો રાજય સરકારની શિક્ષણનિતિનો વિરોધ કરવા એકત્ર થયાં હતાં. કોંગ્રેસના કાર્યક્રમ પહેલાં જ પોલીસની એન્ટ્રી થઇ હતી અને કોંગી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.