લીલીયા તાલુકાના ક્રાંકચ ગામની ચકચારી ઘટના
જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો
જીવલેણ હુમલો કરનાર 3 શખ્સોની ધરપકડ કરાય
પોલીસે ત્રણેય આરોપીઓની જાહેરમાં સરભરા કરી
આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાયું
અમરેલી જિલ્લા લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી સરભરા સાથે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ જૂથ અથડામણ કે, હિચકારા હુમલાઓની ઘટના ઘટી રહી છે, ત્યારે 2 દિવસ પહેલા લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી ગૌતમ વાળા પર 3 શખ્સો કારમાં આવીને હિચકારો જીવલેણ હુમલો કર્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, ત્યારે લીલીયા પોલીસે રાજકોટના જસદણ ગામના દેવકુ વાળા, લઘુવીર ગીડા અને નાગરાજ વાળા સામે ગુન્હો નોંધી ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી. આ સાથે જ પોલીસે ત્રણેય આરોપીઓની જાહેરમાં સરભરા કરી સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લોકો સામે ઉઠક બેઠક કરાવીને કાન પકડાવ્યા હતા. અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યુ હતું કે, ચારેક દિવસ અગાઉ થયેલી માથાકૂટની રીસ રાખી હુમલાખોરોએ હિચકારો હુમલો કર્યો હતો. તો વધુમાં અન્ય બાબતે પણ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.