સિંહના સામ્રાજ્યમાં દીપડાનો પ્રવેશ
ખેત મજુરની દીકરી પર દીપડાનો હુમલો
પાંચ વર્ષીય માસુમ દીકરીનું નીપજ્યું મોત
પિતાએ હિંમતભેર કર્યો દીપડાનો સામનો
વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરાવાની કવાયત
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મોટા ભમોદ્રા ખાતે 5 વર્ષની પરપ્રાંતીય ખેત મજૂરની દીકરીનું દીપડાના હુમલાથી મોત નિપજતા ભયનો માહોલ છવાયો છે. ત્યારે આદમખોર દીપડાને પકડવા વન વિભાગ દ્વારા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામમાં તારીખ 4થી ઓક્ટોબર ની સાંજના સુમારે વિપુલ સાવલિયાની ખેતી કરતા ખેત મજૂર શેરુભાઈ કપાસમાં ખાતર નાખી રહ્યા હતા,તે સમયે એક નરભક્ષી દીપડો અચાનક આવી ચડ્યો હતો. અને પિતા શેરુની નજીક રમતી 5 વર્ષની દીકરી ચૂટકીને ઉપાડીને ભાગતા પિતા જીવના જોખમે દીપડા પાછળ પથ્થર લઈને દોડ્યા હતા,જોકે દીપડાની ચુંગાલમાંથી દીકરીને બચાવી લીધી પણ ત્યાં સુધીમાં દીકરી ચુટકીનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.ઘટના અંગે તાત્કાલિક વાડી માલિકને જાણ કરીને વન વિભાગને જાણ કરતા વનતંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને મૃતક ચુટકીના મૃતદેહને વંડા સી.એચ.સી. સેન્ટર ખાતે પીએમ અર્થે ખસેડાયો હતો.
વાડી માલિક વિપુલ સાવલિયાએ જણાવ્યું હતું કે સિંહના સામ્રાજ્ય ગણાતા અમરેલી જિલ્લામાં સિંહ સાથે દીપડાનો વસવાટ વધ્યો છે.અને દીપડાના હુમલાથી મોટા ભમોદ્રા સહિતના આસપાસના ગામોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.જેના કારણે ખેડૂતો માટે હિંસક ગણાતા દીપડા અંગે વન વિભાગ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.