ધારી તાલુકાના કુબડા ગામનો ચકચારી બનાવ
મકાનમાં પ્રવેશ કરી દંપતી પાસેથી લૂંટ ચલાવી
રૂ. 1.50 લાખ પડાવી 2 શખ્સો ફરાર થતાં ચકચાર
2 ખંડણીખોરની પોલીસે ધરપકડ કરી તપાસ આદરી
વધુ રૂ. 5 કરોડની પણ માંગી હતી ખંડણી : પોલીસ
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કુબડા ગામના એક મકાનમાં પ્રવેશ કરી રૂ. 1.50 લાખ પડાવી વધુ રૂ. 5 કરોડની ખંડણી માંગનાર 2 ખંડણીખોરની LCB પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કુબડા ગામમા રહેતા દલસુખ કોટડીયાના રહેણાંક મકાનમાં ગત તા. 14મી સપ્ટેમ્બર-2024ના રોજ ગેરકાયદેસર 2 અજાણ્યા વ્યક્તિઓએ પ્રવેશ કરી અપશબ્દો બોલી “તારો હવાલો મળ્યો છે..” તેમ કહી આરોપી શૈલેષ ચાંદુ,મહેશ ઉર્ફે ભગો જીકાદાએ દલસુખ કોટડીયાને જાનથી મારી નાખવાની ધમકી આપી હવાલાના રૂ. 10 લાખ 2 દિવસમાં તથા વધુ રૂ. 5 કરોડ એક મહિનામાં ચૂકવી આપવાનું કહી બળજબરીથી રૂ. 1.50 લાખ પડાવી લઈ ફરાર થઈ ગયા હતા. બનાવના પગલે દલસુખ કોટડીયાએ ધારી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો.
જોકે, ઘટનાની ગંભીરતા દાખવી અમરેલી SP હિમકરસિંહ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને કડક સૂચના આપી હતી, ત્યારે અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી બન્ને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. હાલ ધારી પોલીસ દ્વારા બન્ને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જોકે, ખડણી માંગવા પાછળનું કારણ તેમજ કોણે હવાલો આપ્યો હતો, આ સહિત જુદી જુદી દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.