હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી
જીલ્લામાં કમોસમી વરસાદે વરસાવ્યો છે કાળો કહેર
સતત વરસાદ વરસતા ખેતી-પાકમાં મોટું નુકશાન
ઠેર ઠેર મગફળીના પાથરા પાણીમાં થયા તરબતર
કેટલાક ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે, જ્યાં વરસાદ વરસી રહ્યો હોય ને ખેતીપાકમાં મગફળીના પાથરા પાણીમાં તરબતર થઈ ગયા છે, ત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં સતત 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમરેલી જીલ્લામાં પણ કારતકે અષાઢી માહોલ બનતા ખેડૂતોની મૂંઝવણ વધી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અવરીત વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાય જતાં ખેતી-પાકને વ્યાપકપણે નુકશાન થયું છે. ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો હોવાની પ્રતીતિ વચ્ચે હજુ પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોય, તેવામાં મગફળીના પાથરા પાણીમાં તરબતર થઈ ગયા છે, અગાઉ પણ પાછોતરા વરસાદે ખેડૂતોને મોટું નુકશાન પહોચાડ્યું હતું, ત્યાં ફરી એકવાર કમોસમી માવઠાએ મગફળી સહિત કપાસના પાકને નુકશાન કર્યું છે. ખેડૂતોની દશા કફોડી કરી નાખે તેવી દુર્દશા હાલ આંબરડી પંથકમાં જોવા મળી રહી છે, ત્યારે ખેડૂતો નિરાશ થઈને સરકાર પાસે સહાયની અપેક્ષાઓ સેવી રહ્યા છે.