અમરેલી જિલ્લામાં મેઘરાજા અટકવાનું નામ લેતાં ન હોય તેમ લાગી રહયું છે. શિયાળાની શરૂઆત થઇ ગઇ હોવા છતાં કમોસમી વરસાદ વરસી રહયો હોવાથી ખેડુતોના લલાટે ચિંતાની લકીરો છે. જિલ્લાના લાસા ગામમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી...
અમરેલીમાં હવે વરસાદ સામાન્ય બની ગયો છે. ઉનાળો હોય કે શિયાળો. મેઘરાજા અવિરત મહેર વરસાવી રહયાં છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેસરના કારણે રાજયભરમાં કમોસમી વરસાદ વરસી રહયો છે. અમરેલી જિલ્લાના ગીર પંથકમાં આવેલાં લાસા ગામમાં શિયાળામાં ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો. લાસામાં ભર શિયાળામાં નદી વહેતી જોવા મળી હતી. માવઠાના કારણે તુવેર, જીરૂ, ઘઉં, ચણા તથા ઘાસચારાને પાણીથી નુકશાન થયું છે.
ખાભાં તાલુકામાં આવેલાં લાસા ગામની વાત કરવામાં આવે તો ગામની વસતી 1,200 લોકોની છે અને મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે. કોરોના બાદ હવે કુદરતી આફતોએ ખેડુતોના માથે પડતાં પર પાટુ માર્યું છે. લાસા ગામમાં મેઘરાજા તાંડવ કરતાં હોય તેમ થોડા જ કલાકોમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. કમોસમી વરસાદથી ખેતીને નુકશાન થતાં ઉપજમાં ઘટાડો થવાની ચિંતા ખેડુતોને સતાવી રહી છે. ગામના સરપંચ રાજુભાઇએ જણાવ્યું હતું કે, એક તરફ મજૂરો મળતા નથી તેવામાં અચાનક વરસેલાં વરસાદે ખેતીના પાકોને નુકશાન કર્યું છે. ઘાસચારો પલળી જતા પશુધન પણ ઘાસચારા વગરનું રહે તેવા વરસાદે હેરાન પરેશાન કરી દીધા છે.