અમરેલી જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર વધુ થતું હોય છે. દર વર્ષે ખેડૂતો પાકની પેટન્ટ બદલાવતા હોય છે. પરંતુ આ વર્ષે ખેડૂતોએ કપાસ અને મગફળીની સાથે સોયાબિનનું પણ વાવેતર કર્યું છે, ત્યારે પ્રથમ વખત સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સોયાબિનની આવક શરૂ થઈ છે. જેથી સારો ભાવ મળવાની ખેડૂતોને આશા છે.
અમરેલી જિલ્લો મુખ્યત્વે કપાસ અને મગફળીના પાક માટે જાણીતો છે, ત્યારે આ વર્ષે ખેડૂતોએ કપાસ અને મગફળીની સાથે સોયાબિનનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. સામાન્ય રીતે અમરેલી જિલ્લાના ખેડૂતો દર વર્ષે ખેત જણસોનું અલગ અલગ વાવેતર કરતા હોય છે. આ વર્ષે ખેડૂતોએ નવી પેટન્ટમાં સોયાબિનનું વાવેતર કર્યું છે. પાછોતરાં વરસાદના કારણે સોયાબિનના પાકને નુકશાન થયું નથી. આથી સોયાબીનના વાવેતરથી સારા ભાવ મળવાની સાથે જ ખેડૂતો પણ ખુશ છે.
જોકે, ગત વર્ષે 900 રૂપિયા સુધી સોયાબીનના ઉંચા ભાવ રહ્યા હતા, ત્યારે આ વર્ષે વરસાદ સારો થવાથી સોયાબીનનો પાક ખૂબ સારો થયો છે. જેથી આ વર્ષે સોયાબીનના રૂપિયા 900થી લઈને 1200 રૂપિયા સુધીનો ભાવ મળશે તેવી ખેડૂતોને આશા છે. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં 60 વર્ષ બાદ સોયાબીનની જણસો આવી છે. ખેડૂતોનું માનીએ તો સોયાબીનનો પાક લેવામાં ખેડૂતોને ખૂબ જ સરળતા રહે છે. તદુપરાંત સોયાબીનના પાકને રોઝ અને ભૂંડનો ત્રાસ પણ નથી રહેતો અને દવાનો છંટકાવ પણ નહિવત રહે છે.