Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : નર્મદા મૈયા બ્રિજનું ટુંક સમયમાં જ લોકાર્પણ કરાશે : ડે.સીએ નિતિન પટેલ

અંકલેશ્વરના સુરવાડી ફાટક ખાતે દરરોજ અટવાય જતાં વાહનચાલકો માટે ગુરૂવારનો દિવસ સુખદ સમાચાર લઇને આવ્યો હતો

X

અંકલેશ્વરના સુરવાડી ફાટક ખાતે દરરોજ અટવાય જતાં વાહનચાલકો માટે ગુરૂવારનો દિવસ સુખદ સમાચાર લઇને આવ્યો હતો. સુરવાડી ફાટક પર બનેલાં ફલાયઓવર બ્રિજને ડેપ્યુટી સીએમ નિતિન પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે નિતિન પટેલે નર્મદા નદી પર બનેલાં નવા બ્રિજને પણ ટુંક સમયમાં ખુલ્લો મુકવાની જાહેરાત કરી છે....

અંકલેશ્વર શહેરમાં આવવા તથા જવા માટે વાહનચાલકોને સુરવાડી ફાટકનો ઉપયોગ કરવો પડતો હોય છે પણ આ રૂટ પર ટ્રેનોની સંખ્યા વધારે હોવાના કારણે વાહનચાલકોને ફાટક બંધ હોય ત્યારે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડતું હતું. આ સમસ્યાના નિરાકરણ માટે સુરવાડી ફાટક તથા ગડખોલ પાટીયા પાસે ફલાયઓવર બનાવવાની કામગીરી આજથી પાંચ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ નર્મદા મૈયા બ્રિજ પર તૈયાર થઇ ગયો હોવાથી તેનું લોકાર્પણ કરવાની ચીમકી કોંગ્રેસે આપી છે. રાજય સરકારે આજે ગુરૂવારે તાબડતોડ સુરવાડી ફાટક પર બનેલાં ઓવરબ્રિજનું લોકાર્પણ કરી નાંખ્યું છે. આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવતાં ભરૂચથી આવતાં વાહનચાલકો સુરવાડી ફાટકે ઉભા રહયાં સિવાય સીધા અંકલેશ્વર શહેરમાં પહોંચી શકશે તેવો જ ફાયદો અંકલેશ્વરના વાહનચાલકોને થશે.

ઓવરબ્રિજના ઇ- લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે, અંકલેશ્વરથી રાજપીપળાને જોડતા માર્ગનું નવીનીરકણ થશે અને તેના પાછળ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત ભરૂચની શ્રવણ ચોકડી નજીક ઓવરબ્રિજ માટે ડી.પી.આર. બનાવવાનું કામ શરૂ કરી દેવાયું છે અને ટુંક સમયમાં ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવશે. નર્મદા નદી પર ગોલ્ડનબ્રિજની સમાંતર બનેલા બ્રિજને પણ આગામી દિવસોમાં વાહન ચાલકોની સુવિધા માટે ખુલ્લો મુકી દેવાશે. નર્મદા મૈયા બ્રિજ બાબતે કોંગ્રેસ ખોટી પ્રસિધ્ધિ મેળવી રહી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. ફલાયઓવર બ્રિજ નજીક આયોજીત કાર્યક્રમમાં રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ અને અરૂણસિંહ રણા અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

Next Story