કવાંટના તુરખેડા ગામ નજીક સારા રોડ-રસ્તાનો અભાવ
સગર્ભા મહિલાને ઝોળીમાં ઉંચકીને લઈ જવાની ફરજ પડી
રસ્તો ખરાબ હોવાથી હોસ્પિટલ લઈ જવાના સમયનો વ્યય
વધુ એક સગર્ભા મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો
સગર્ભાનું હાઈરિસ્ક પ્રેગ્નન્સી તરીકે નિદાન થયું હતું : DHO
ગુજરાતનો સરહદી જિલ્લો છોટાઉદેપુર, જેમાં કવાંટ તાલુકાનું તુરખેડા ગામ નર્મદા નદીના કિનારે અને મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલું છે. પરંતુ આ ગામમાં લોકો માટે નથી રોડ-રસ્તો કે, નથી શિક્ષણ, આરોગ્યની સુવિધા. આ ગામના લોકો કુદરતના ભરોસે જીવન જીવવા મજબુર બન્યા છે. તેવામાં કવાંટ તાલુકાના તુરખેડા ગામની વધુ એક સગર્ભા મહિલાનું મોત નીપજ્યું છે.
ખૈડી ફળીયાના વણસીબેન રાજુભાઈ નાયકને પ્રસુતીની પીડા ઉપડતા રસ્તાના અભાવે સાવધા ફળીયા સુધી ઝોળીમાં ઉંચકીને 3 કિમી ચાલીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જોકે, રસ્તો ખરાબ હોય જેથી સાવધા ફળીયા સુધી પહોચતા સમયનો વ્યય થયો હતો. સારા રોડ-રસ્તાના આભાવે મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.
ગયા વર્ષે પણ તુરખેડાની એક સગર્ભા મહિલાનું રસ્તામાં જ મોત થયું હતું, ત્યારે હવે રોડ-રસ્તાના આભાવે વધુ એક મહિલાને મોત મળ્યું છે. સારા રોડ-રસ્તાની માંગ સાથે તંત્રને આવેદન આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ, સગર્ભા મહિલાના મોત મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતું કે, સગર્ભા મહિલાને કવાંટ દવાખાને લાવવામાં આવી હતી. પ્રથમથી હાઈરિસ્ક પ્રેગ્નન્સી તરીકે નિદાન થયું હતું, ત્યારે વધુ સારવાર અર્થે મહિલાને વડોદરા લઇ જવાય હતી.