-
ભારતમાલા હાઇવે પર સર્જાય ગમખ્વાર અકસ્માતની ઘટના
-
સોનેથ ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત
-
ગોઝારા અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં
-
અકસ્માતમાં બસમાં સવાર 10થી વધુ લોકોને પહોચી ઇજાઓ
-
ઘાયલોને ભાભર-થરાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
બનાસકાંઠાના જિલ્લાના સૂઈગામ તાલુકાના સોનેથ ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગોઝારા અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 10થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્યમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 3 લોકોના મોત થયા છે. બનાસકાંઠાના સૂઇગામ નજીક ભારત માલા હાઇવે પર ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર થતાં 3 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર, જામનગરથી રાજસ્થાન જતી લક્ઝરીને બનાસકાંઠાના જિલ્લાના સૂઇગામ તાલુકાના સોનેથ ગામ નજીક રોંગ સાઇડે આવી રહેલા ટેન્કર ચાલકે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. મધરાતે ધડાકો સંભળાતા સ્થાનિકો એકઠા થયા હતા, અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તુરંત ઘટનાસ્થળે દોડી જઇ ઘાયલોને સારવાર અર્થે 108 મારફતે ભાભર અને થરાદ સહિતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાયા છે, જ્યારે મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે સુઇગામની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, ખાનગી બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઉપરાંત ખાનગી બસ અને ટેન્કરને અલગ કરવા માટે પોલીસને 3 ક્રેઇનની મદદ લેવી પડી હતી.