દાંતાની વેકરી આશ્રમ શાળામાંથી ફૂડ પોઈઝનિંગની ઘટના
30થી વધુ બાળકોને થઈ હતી ફૂડ પોઈઝનિંગની ભારે અસર
તમામ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
આ ઘટનામાં એક બાળકનું મોત નિપજતા પંથકમાં ચકચાર
સમગ્ર મામલે આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દોડતું થયું
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વેકરી આશ્રમ શાળામાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝીનિંગની અસર થવા પામી હતી. આ ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વેકરી આશ્રમ શાળામાંથી ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો છે. વેકરી આશ્રમ શાળામાં અચાનક જ 30થી વધુ બાળકોની તબિયત લથડતા તાત્કાલિક માકડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 3 બાળકોની હાલત વધુ ગંભીર જણાતા તાત્કાલિક ખેડબ્રહ્માની હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરાયા હતા. જોકે, એક બાળકનું સારવાર દરમિયાન હોસ્ટેલમાં મોત થયું હોવાનું પણ મહિલા તબીબે જણાવ્યું હતું. આ મામલે બાળકના વાલીએ જમવામાં કઈક આવી ગયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
જોકે, વેકરી આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતા જ આરોગ્ય તંત્ર દોડતું થયું હતું, જ્યાં બાળકોના સારવાર અંગેની જાણકારી મેળવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર કયા કારણોસર થઈ છે, તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે આરોગ્ય વિભાગે રિપોર્ટ અને લેબોટરી સહિતની કાર્યવાહી હાથ ધરી તમામ બાળકો સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ, દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે, અને તાત્કાલિક બાળકોના આરોગ્યની ચકાસણી કરવાની માંગ કરી છે.