Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : છેલ્લા 7 વર્ષોથી મુસાફરોની રાહ જોતું "વડગામ" બસ સ્ટેશન…

બસ સ્ટેશનનું નામ સાંભળતાં જ મુસાફરો અને બસોના અવાઝથી ધમધમતા સ્ટેશનનું દ્રશ્ય આપણી નજર સામે તરી આવે છે.

X

બસ સ્ટેશનનું નામ સાંભળતાં જ મુસાફરો અને બસોના અવાઝથી ધમધમતા સ્ટેશનનું દ્રશ્ય આપણી નજર સામે તરી આવે છે. પરંતુ અમે આપને ગુજરાતનું એક એવું બસ સ્ટેશન બતાવવા જઈ રહ્યા છીએ, જ્યાં બસ સ્ટેશન પોતે જ છેલ્લા 7 વર્ષોથી મુસાફરોની રાહ જોઈ રહ્યું છે. જુઓ બનાસકાંઠા જિલ્લાના વડગામનું બસ સ્ટેશન અમારા ખાસ રિપોર્ટમાં...

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ લાખોના ખર્ચે બનેલ આ છે, બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે આવેલું બસ સ્ટેશન... અહીં મુસાફરોને બેસવા માટે બાંકડા છે, પણ બેસનાર કોઈ નથી. પુછપરછ કરવા માટે કન્ટ્રોલ રૂમ છે, પણ કોઈ પૂછનાર નથી. મુસાફર ગ્રાહકો માલસામાન ખરીદી શકે તે માટે દુકાનો છે. પરંતુ કોઈ ખરીદનાર નથી, પાણીની પરબ છે, પણ કોઈ પાણી પીનાર નથી. એસ.ટી. બસ તો આવે છે, પણ કોઈ મુસાફર નથી. આ કોઈ ફિલ્મની પટકથા નથી. પરંતુ સુશાસન સપ્તાહની ઉજવણી કરતી ગુજરાત સરકારના એક તાલુકા મથકની કડવી વાસ્તવિકતા છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે આવેલ આ બસ સ્ટેશન વર્ષ 2014માં લાખ્ખો રૂપિયાના ખર્ચે બનાવાયું હતું. પરંતુ છેલ્લા 7 વર્ષથી આ બસ સ્ટેશન પોતાના મુસાફરોની રાહ જોઈ બેઠું છે. માત્ર એસ.ટી. બસ આવે છે, પરંતુ બસમાં બેસનાર કોઈ મુસાફર નથી. અહીં ભાગ્યેજ કોક મુસાફર બસ સ્ટેશને આવે છે. તો, સાંભળો ખુદ બસ કન્ડક્ટરના મુખે… શું છે અહીંની વાસ્તવિક સ્થિતિ..!

આ બસ સ્ટેશન વડગામથી અડધા કિલોમીટર દૂર આવેલ હોવાથી મુસાફરો બસ સ્ટેશને આવતા જ નથી. ગામના મુખ્ય ચોકમાં આવેલ પિકઅપ સ્ટેન્ડ પરથી જ બસમાં બેસે છે, જેનો લાભ ઉઠાવી એસ.ટી.વિભાગના મુખ્ય ડિવિઝનલ કન્ટ્રોલર કિરીટ ચૌધરીએ બસ સ્ટેશને માત્ર એક જ કર્મચારીની નિયુક્તિ કરી છે. આ કર્મચારી પણ પોતાની મરજી મુજબ જ ફરજ પર આવતા જતાં રહે છે. કોઈ દિવસ મોડા આવે છે, તો કોઈ દિવસ મિટિંગનું બહાનું કાઢી ગેરહાજર રહેતાં હોય છે. કનેક્ટ ગુજરાતની ટીમે જ્યારે આ બસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લીધી, ત્યારે બસ સ્ટેશનની કન્ટ્રોલ રૂમ ઓફિસમાં ખંભાતી તાળા લાગેલા જોવા મળ્યા હતા. અહી મુસાફરી પાસ કઢાવવા આવેલ શાળાના બાળકો પણ કર્મચારી હાજર નહીં હોવાથી પરત જતા નજરે પડ્યા હતા. તો, બીજી તરફ ડિવિઝનલ કન્ટ્રોલરે ઓફ ધ કેમેરા વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે, બસ સ્ટેશનમાં બસ આવે કે, નહીં તે મારો વિષય નથી. જોકે, આ સમગ્ર મુદ્દે પાલનપુર એસ.ટી.ડેપોના મેનેજરે કેમેરા સમક્ષ જણાવ્યું હતું કે, બસ સ્ટેશનમાં કર્મચારી મોટેભાગે હાજર જ રહે છે.

Next Story