Connect Gujarat
ગુજરાત

ભરૂચ: નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાની ખુરશી સામે ખતરો?

ભરૂચ નગર સેવા સદનના પ્રમુખની જાતિનો વિવાદ, જાતિનું ખોટું પ્રમાણ રજૂ કરી પ્રમુખ પદ મેળવ્યું હોવાની થઈ હતી ફરિયાદ.

X

ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાએ જાતિનું ખોટું પ્રમાણ પત્ર રજૂ કરી પ્રમુખ પદ મેળવાયુ હોવાની કોર્ટમાં થયેલ રજૂઆતના પગલે કોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપી આ મામલામાં પોલીસને તપાસના આદેશ આપ્યા છે.

ગત તારીખ ૧૭મી માર્ચના રોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલ પ્રમુખની ચૂંટણીમાં શાસકપક્ષ ભારતીય જનતા પાર્ટી તરફથી વોર્ડ નં. ૫ની સામાન્ય બેઠક ઉપરથી ચૂંટાયેલ અનુસૂચિત જાતીના ઉમેદવાર અમિત ચાવડાએ ઉમેદવારી નોંધાવી હતી. વિરોધપક્ષ કોંગ્રેસ તરફથી અનુસૂચિત જાતીનો કોઈ જ ઉમેદવાર ચૂંટાયો ન હોય અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવતાં અમિત ચાવડાને બિનહરીફ જાહેર કરાતાં ભરુચ નગરપાલિકાના પ્રમુખપદે તેમની વરણી થય હતી. ભરુચ નગરપાલિકાના વર્તમાન પ્રમુખ માટે અઢી વર્ષની ટર્મ અનુસૂચિત જાતીના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે.

ભરુચ નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલ પાલિકા પ્રમુખની આ ચૂંટણીને દિનેશ ખુમાણ નામના અરજદારે કોર્ટમાં પડકારી હતી. આ મામલે કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. કોર્ટના ચુકાદા અંગે અરજદારના ધારાશાસ્ત્રી અશ્વિન ખંભાતાએ જણાવ્યુ હતું કે અમિત ચાવડા જાતિના બોગસ દાખલાના આધારે પ્રમુખ બન્યા છે. આ અંગે તેઓ દ્વારા પ્રથમ સી ડિવિઝન ,બાદમાં એ ડિવિઝન અને જિલ્લા પોલીસ વડાને પણ ફરિયાદ નોધવા અરજી કરવામાં આવી હતી પરંતુ તેઓએ શાશક પક્ષના ઇશારે ફરિયાદ નોંધી ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આથી કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે આ મામલામાં પોલીસને તપાસ કરવા આદેશ કર્યો છે અને 30 દિવસમાં તેનો રિપોર્ટ સોંપવાનો રહેશે.

તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે અમિત ચાવડાએ પ્રમુખ પદ મેળવવા તેઓ હિન્દુ માહયાવંશી હોવાનો જાતિનો ખોટો દાખલો રજૂ કર્યો હતો જો કે તેમના સ્કૂલના દાખલામાં તેઓ હિન્દુ દરજી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.દસ્તાવેજોના આધારે તેઓ માહયાવંશી ન હોય તો તેમને પ્રમુખ પદ અપાયું કેવી રીતે એના પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

આ અંગે નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે કોર્ટના આદેશનું પાલન કરું છું. તેઓએ દ્વારા કોઈ ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી. આગળના દિવસોમાં કાયદાને અનુરૂપ પગલા લેવામાં આવશે. રાજકીય ઇશારે આ પ્રકારના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ પદ માટે બે દાવેદારો હતા જેમાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ધનજી ગોહિલ અને અમિત ચાવડા પરંતુ ધનજી ગોહિલનું પત્તું કપાયું હતું અને યુવા આગેવાન અમિત ચાવડાને પ્રમુખ પદનો તાજ પહેરાવવામાં આવ્યો હતો ત્યારથી જ તેઓની જાતિનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ વિવાદમાં અમિત ચાવડાની ખુરશી જશે કે પછી તેઓ સત્તાના સિંહાસન પર બિરાજમાન જ રહેશે એ આવનાર સમય બતાવશે.

Next Story
Share it