ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ ખાતે આકર્ષણ સમાન હોડીઘાટ જ બંધ થઈ જતા યાત્રાળુઓ અટવાયા હતા. હોડીઘાટનો ઇજારો જે કોન્ટ્રાકટરને આપવામાં આવ્યો હતો એ કોન્ટ્રાક્ટરે જિલ્લા પંચાયતમાં છેલ્લા 2 વર્ષથી નાંણા જમા ન કરાવતા આ પ્રશ્ન ઉદ્ભવયો છે.
ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ અતિ મહત્વના ગણાતા ભરૂચ જિલ્લામાં અનેક એવા સ્થળો આવેલા છે જે પર્યટકો અને યાત્રાળુઓને આકર્ષિત કરે છે. એમાં સૌથી મહત્વપૂર્ણ સ્થળ એટલે સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ. સંત કબીર અને તેમણે નાંખેલી દાતણની ચીરીમાંથી ઊગી નીકળેલા વડ કબીર વડનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે. જો કે આ સ્થળની માવજતના અભાવે કબીર વડનું જણે અસ્તિત્વ જોખમાય રહ્યું છે. મઢીઘાટથી કબીર વડ જવા માટે હોડી ફરે છે અને આ માટે જિલ્લા પંચાયત દ્વારા તબક્કાવાર હોડીઘાટની હરાજી કરી કોન્ટ્રાકટ આપવામાં આવે છે. કોંગ્રેસ અને જનતા દળના શાશન સમયે આ વખતનો કોન્ટ્રાકટ અંકલેશ્વરની રાજયોગ કંપનીને આપવમાં આવ્યો હતો જો કે કોન્ટ્રાક્ટરે છેલ્લા 2 વર્ષથી નાંણા જમા કરાવ્યા ન હતા. આ બાબત ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને આવતા તેઓએ નાંણાની વસુલાત માટે એક ટિમ કબીરવડ મોકલી હતી જેથી કોન્ટ્રાકટરે હોડી ઘાટ બંધ કરી દીધો હતો. કનેક્ટ ગુજરાતની ટિમ આ મામલાની તપાસ માટે કબીરવડ પહોંચી હતી જ્યા એક નોટિસ જોવા મળી હતી જેમાં લખાયેલું હતું કે હોડી ઘાટના ઇજારેદાર રાજયોગ કંપનીનો કોઈ હક રહેલો નથી અને હોડીઘાટ જિલ્લાપંચાયતના નાયબ કાર્યપાલક ઈજનેરના હસ્તક છે. જો કે સ્થાનિકોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે રાજયોગ કંપની દ્વારા ગઈકાલ સુધીમાં હોડીનું સંચાલન કરવામાં આવતું હતું પરંતુ તંત્રની ટિમ પહોંચતા સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે.હોડીનું સંચાલન બંધ થતા આજરોજ મઢીઘાટ પહોંચેલા અનેક યાત્રાળુઓ અટવાયા હતા. યાત્રાળુઓએ આક્ષેપ કર્યો હતો કે નિયત કરેલા નાંણા કરતા વધુ નાણા લઈ તેમને સામે પાર લઈ જવા કહેવાયું હતુ.
હાલ ભરૂચ જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના શાશનમાં હોડી ઘાટનો કોન્ટ્રાકટ અપાયો હતો જેમાં નિયમોનું પણ પાલન થયું નથી.જિલ્લા પંચાયત દ્વારા આ મામલે તપાસ કરી કોન્ટ્રકટરને બ્લેકલિસ્ટ કરવાની અને ચેક રિટર્નનો કેસ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
ભાજપના આક્ષેપોનો જવાબ મેળવવા કનેક્ટ ગુજરાત દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેઓએ જણાવ્યું હતું કે પ્રવાસનને વેગ મળે એ માટે હોડી ઘાટનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો અને નિયમોનું પાલન થયું છે. હાલ ભાજપની સત્તા છે તો કોન્ટ્રાકટ પાસે નાંણા વસુલવાની જવાબદારી પણ તેઓની જ છે ત્યારે જિલ્લા પંચાયતના સત્તધીશો આ મામલે ગંભીર બની ફરીથી હોડી સેવા શરૂ કરાવે એ જરૂરી છે.
આ સમગ્ર વિવાદની ઊંડાણ પૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અગાઉના વર્ષમાં જે તે સમયના જિલ્લા વિકાસ અધિકારી આદ્રા અગ્રવાલે હોડીઘાટ સહિત અન્ય પ્રોજેકટની રૂ 1.60 કરોડની બાકી વસુલાત માટે એક કર્મચારીની જવાબદારી નક્કી કરી હતી જેમાં કબીરવડ હોડી ઘાટની વસુલતનો પણ સમાવેશ થાય છે. આ બાદ જિલ્લા પંચાયત પ્રમુખના લેટર હેડ પર કબીર વડ હોડી ઘાટનો કોન્ટ્રાકટ 10 વર્ષ માટે 55 લાખની કિંમતે રાજયોગ કંપનીને આપવામાં આવ્યો હતો. કબીરવડ હોડી ઘાટની અગાઉના વર્ષોની રૂ.1.25 કરોડની વસુલાત ઉપરાંત ચાલુ કોન્ટ્રાકટના રૂ.40 લાખ ડિપોઝીટ સહિત બે વર્ષના 55-55 લાખની વસુલાત બાકી હોવાની સૂત્રો તરફથી માહિતી મળી છે. જિલ્લા પંચાયત દ્વારા આટલી મોટી રકમની વસુલાત માટે બેદરકારી દાખવવામાં આવી રહી છે જેની સામે પ્રશ્નો ઉભા થયા છે.જિલ્લા વિકાસ અધિકારીએ આ મામલે 15 દિવસમાં તપાસ કરી રિપોર્ટ કરવા આદેશ કર્યો હતો એમ છતાં રિપોર્ટ સોંપવામાં આવ્યો ન હોવાનું જાણવા મળ્યું છે ત્યારે રાજરામતમાં કબીર વડનો વિકાસ રૂંધાય રહ્યો હોવાનું લાગી રહ્યું છે.