New Update
ભરૂચના વાગરામાં યુવતીને તેના જ બ્યુટીપાર્લરમાં બંધક બનાવાય હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.સોશ્યલ મીડિયાના માધ્યમથી મિત્ર બનેલ યુવક સાથે સંબંધ રાખવાની ના કહેતા યુવકે યુવતીને બંધક બનાવી હોવાનું બહાર આવ્યું છે
ભરૂચના વાગરાની એક યુવતીને સોશ્યલ મીડિયામાં એક યુવક સાથે થયેલી મિત્રતા રાખવી ભારે પડી હતી.વાગરા નગરમાં એક મહિલા દુકાન ભાડે રાખીને બ્યુટીપાર્લર ચલાવે છે.તેની અમદાવાદના દેત્રોજના પ્રકાશ દશરથભાઇ ઓડ સાથે 15 દિવસ પહેલાં જ મિત્રતા થઈ હતી.તેઓ બંને અવાર નવાર મેસેજ અને વીડિયો કોલથી એક બીજા સાથે વાતચીત પણ કરતા હતા પરતું કોઈ કારણોસર યુવતીએ પ્રકાશ ઓડને તેની સાથે મિત્રતા નહિ રાખવા અને મેસેજ કે કોલ નહિ કરવા જણાવ્યું હતું.જેથી પ્રકાશ ઓડને લાગી આવતા તે વાગરા યુવતીના બ્યુટીપાર્લર ઉપર આવી યુવતીના ગળા પર ચપ્પુ રાખી બળજબરી પુર્વક બ્યુટીપાર્લરમાં ગોંધી તેની સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો.આ અંગેની જાણ યુવતીએ તેની દુકાનના માલિક વિશાલ સોનારને મેસેજથી કરીને પોલીસની મદદ માંગી હતી.જેથી વાગરા પોલીસે પહોંચી બ્યુટીપાર્લરનો દરવાજો તોડી અંદર રહેલી મહિલાને સલામત રીતે યુવક પાસેથી છોડાવી હતી.પોલીસે આરોપી પ્રકાશ ઓડની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે